<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

મોરબી જિલ્લાના માળીયામિયાણા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર સાડા ૩ કલાકમાં ૪ થી ૫ ઇંચ વરસાદથી ૫ ગામો જળબંબાકાર : ખેડૂતોમાં ખુશીની લહેર

રાત્રે જુના ઘાટીલા, વેજલપર, ખાખરેચી, વેણાસર અને કુંભારીયામાં મુસળધાર વરસાદ, રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી : મોડી રાત્રિના બાર વાગ્યા બાદ વરસાદનું જોર ઘટ્યું

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી તા.૨૭ : માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ટૂંકા સમયમાં પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાત્રે 7:00 વાગ્યાથી 11:30 વાગ્યા સુધીના માત્ર 3.5 કલાકના ટૂંકા ગાળામાં જ તાલુકાના વિવિધ ગામોમાં 4 થી 5 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો હતો.

સરપંચ હેતલબેન ઉમેશભાઈ જાકસણીયા અને તાલુકા પંચાયત સદસ્ય કેતન વિડજાના જણાવ્યા અનુસાર ભારે વરસાદના કારણે જુના ઘાટીલા, વેજલપર, ખાખરેચી, કુંભારીયા અને વેણાસર સહિત 5 થી વધુ ગામોમાં ચારેય તરફ પાણી ફરી વળ્યા હતા. 

અચાનક આવેલા ભારે વરસાદને કારણે ગામના મુખ્ય રસ્તાઓ, સીમ વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને અવર-જવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રાત્રે 11:30 વાગ્યા પછી વરસાદનું જોર ધીમું પડતા ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત થઈ હતી. વહીવટી તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. 

ચોમાસાની શરૂઆતમાં જ પડેલા આ ધોધમાર વરસાદથી પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદને કારણે વાવણી માટે જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને ખેતીના કામોને વેગ મળશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

(1:06 PM IST)