તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
કચ્છના લખપત તાલુકાના પાનધ્રોમાં વહીવટી તંત્રનું મેગા ડિમોલિશન ઓપરેશન : કરોડોની કિંમતની લાખો ચો.મી. સરકારી પડતર જમીન દબાણમુક્ત કરાઈ
કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને લખપત મામલતદારની ટીમે પાનધ્રો બંદર વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યું; વર્ષોથી સરકારી પડતર જમીન પર થયેલા કબજા હટાવાયા, જિલ્લા કલેક્ટરનો આદેશ સરકારી જમીન પર કબજો કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે

કચ્છ તા.૨૯ : કચ્છ જિલ્લાના લખપત તાલુકાના પાનધ્રો બંદર વિસ્તારમાંથી સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો હટાવવા માટે વહીવટી તંત્રએ મોટું ઓપરેશન હાથ ધર્યું. જિલ્લા વહીવટી તંત્ર, મામલતદાર કચેરી અને પોલીસના સંયુક્ત કાફલાએ બુલડોઝર સાથે દરોડા પાડીને લાખો રૂપિયાની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરી.
પાનધ્રો વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સરકારની પડતર અને દરિયાકાંઠાની જમીન પર વ્યક્તિઓ અને જૂથો દ્વારા ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો. કેટલીક જગ્યાએ કાચા-પાકા મકાનો, દુકાનો અને ગોડાઉન પણ બનાવી દેવાયા હતા. જમીનની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટરના આદેશ બાદ લખપત મામલતદાર અને તેમની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પાનધ્રો પહોંચી હતી. વહેલી સવારથી જ બુલડોઝર અને JCB મશીનની મદથી દબાણો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.
મામલતદાર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ મેગા ઓપરેશનમાં લાખો ચોરસ મીટર સરકારી પડતર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત કરોડો રૂપિયામાં અંદાજવામાં આવી રહી છે. દબાણ હટાવ્યા બાદ જમીન પર સરકારી તકતી લગાવીને તેને સરકારી ખાતામાં જમા કરવામાં આવી.
લખપત મામલતદારે જણાવ્યું કે "સરકારી જમીન એ જનતાની મિલકત છે. જે લોકોએ ગેરકાયદે કબજો કર્યો છે તેમને નોટિસ આપ્યા બાદ પણ કબજો ન હટાવતા આ કાર્યવાહી કરવી પડી. ભવિષ્યમાં પણ કચ્છના કોઈપણ વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે."
જિલ્લા કલેક્ટરે પણ સ્પષ્ટ કહ્યું છે કે સરકારી જમીન બચાવવાની ઝુંબેશ સત ચાલુ રહેશે. કોઈપણને છાવરવામાં નહીં આવે.
દબાણ હટાવવાની કાર્યવાહીથી કેટલાક લોકોને હાલાકી ભોગવવી પડી, જ્યારે બીજી તરફ ગામના ઘણા લોકોએ આ કાર્યવાહીને આવકારી છે. સ્થાનિકોનું કહેવું છે કે ગેરકાયદે દબાણના કારણે ગામનો વિકાસ અટકી રહ્યો હતો અને સરકારી જમીન બચવી જોઈએ.
પાનધ્રો બંદર વિસ્તાર વ્યૂહાત્મક રીતે મહત્વનો હોવાથી સરકારી જમીનનું સંરક્ષણ ખૂબ જરૂરી માનવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન બાદ વહીવટી તંત્ર હવે કચ્છના અન્ય તાલુકાઓમાં પણ દબાણ હટાવની કામગીરી હાથ ધરવાની તૈયારીમાં છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
