News of Thursday, 28th May 2026
પીપાવાવ પોર્ટના ૧૧૦ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાલ પર, પગાર વધારા અને શોષણના આક્ષેપ સાથે નાયબ કલેક્ટર-મામલતદારને આવેદન
‘‘કોક્રોચ જનતા પાર્ટી''ના માસ્ક-બેનર સાથે યુવાનોનો ઉગ્ર દેખાવઃ મેનેજર દ્વારા બંદૂકની અણીએ ધમકીનો આક્ષેપ, ૨૫ હજારના બદલે ૧૩ હજાર પગાર આપતા હોવાનો આરોપ

(જગદીશ ઝાંખરા દ્વારા) રાજુલાઃ તા.ર૮, ટર્મિનલ પીપાવાવ પોર્ટમાં કામ કરતી ‘ફયુચર' નામની કોન્ટ્રાક્ટ કંપનીના ૧૧૦ જેટલા યુવા કર્મચારીઓ છેલ્લા ૪-૫ દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે. પગાર વધારો, ઓવરટાઈમ અને શોષણ બંધ કરવાની માંગ સાથે આજે યુવાનોએ ‘કોક્રોચ જનતા પાર્ટી'ના માસ્ક અને બેનર સાથે જોશભેર સૂત્રોચ્ચાર કરીને નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
આંદોલનકારી કર્મચારીઓના આક્ષેપ મુજબ APM ટર્મિનલ દ્વારા ફયુચર કંપનીને પ્રતિ કર્મચારી રૂા. ૨૫,૦૦૦, નાસ્તા, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય સુવિધાઓ સહિતનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ કંપનીના હેડ ચિરાગ અને પોર્ટના મેનેજરની મિલીભગતથી યુવાનોને માત્ર રૂા. ૧૩,૦૦૦ થી રૂા.૧૪,૦૦૦ પગાર આપવામાં આવે છે. જ્યારે સમાન કામ કરતા કાયમી કર્મચારીને રૂા.૩૦,૦૦૦ થી રૂા. ૪૦,૦૦૦ પગાર મળે છે. ‘સુપ્રીમ કોર્ટનો સમાન કામ સમાન વેતનનો આદેશ હોવા છતાં અહીં તેનો ભંગ થાય છે', એમ કર્મચારીઓએ જણાવ્યું.
કંપની દ્વારા અપાતો નાસ્તો અત્યંત હલકી ગુણવત્તાનો હોવાથી કોઈ ખાતું નથી.,મોટાભાગના યુવાનો પોતાના વાહનથી આવે છે છતાં ટ્રાન્સપોર્ટના નામે પૈસા કાપી લેવાય છે. કર્મચારીઓએ આ રકમ રોકડમાં આપવાની માંગ કરી છે. , એક મેનેજર દ્વારા કર્મચારીઓને બંદૂકની અણીએ કામ કરવાની ધમકી અપાતી હોવાનો સનસનીખેજ આક્ષેપ કરાયો છે, APMટર્મિનલ દ્વારા ૫૫૦ વીઘા ગૌચર દબાણ, પર્યાવરણ અને લેબર કાયદાનો ભંગ કરાતો હોવાનો આક્ષેપ છે. યુનિયનના હોદ્દેદારો અને અધિકારીઓને સાચવીને કંપની મનમાની ચલાવે છે.
કર્મચારીઓએ જણાવ્યું કે, ‘મોંઘવારીમાં રૂા. ૧૩,૦૦૦માં ઘર ચાલતું નથી. પગાર વધારાની વારંવાર રજૂઆત કરી પરંતુ કોઈ નિવેડો ન આવતા હડતાલનો માર્ગ અપનાવવો પડ્યો છે. અમારી માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.'
યુવાનોએ માંગ કરી છે કે કંપનીમાં મોટાભાગનો કાયમી સ્ટાફ રાજકીય માણસો અને અધિકારીઓના સગા-સંબંધીઓનો હોવાથી ન્યાય મળતો નથી. કોન્ટ્રાક્ટર મામૂલી રકમ ચૂકવીને બાકીની રકમ રોકડમાં પરત લઈ લેતા હોવાથી સમગ્ર મામલે ઊંડી તપાસ કરવામાં આવે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
