તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
સોૈરાષ્ટ્ર- કચ્છમાં ચોમાસા પહેલા ત્રીજી વખત માવઠુઃ ખેડુતોમાં ચિંતા
ધોમધખતા તાપ વચ્ચે એકાએક વાદળા સાથે મેઘાવી માહોલ છવાયોઃ સવારથી ધોમધખતો તાપ

પ્રથમ તસ્વીરમાં ચોટીલા, બીજી તસ્વીરમાં ગોંડલ, ત્રીજી તસ્વીરમાં જામકંડોરણા અને ચોથી તસ્વીરમાં જામકંડોરણાના બાલાપરમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ ફઝલ ચોૈહાણ (વઢવાણ), ભાવેશ ભોજાણી (ગોંડલ), મનસુખ બાલધા (જામકંડોરણા) ચંદ્રેશ હિરાણી (મોટી પાનેલી).
રાજકોટ તા.૬: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ભરઉનાળે કમોસમી વરસાદ પડતા સર્વત્ર ટાઢોડુ થઇ ગયુ હતું જો કે આજે સવારથી ધોમધખતો તાપ યથાવત છે. ચોમાસાના આગમન પહેલા ત્રીજી વખત માવઠુ વરસ્યુ છે.
સુરેન્દ્રનગર
(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણઃ યાત્રાધામ ચોટીલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં કરા પડવાની ઘટના પણ સામે આવી છે. આકાશ વાદળછાયું થતા અને વરસાદી ઝાપટા પડતા લાંબા સમયથી પડતી અસહ્ય ગરમી અને બફારામાંથી મુક્તિ મળી છે.
એકતરફ ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાકને લઈને જગતનો તાત ચિંતિત બન્યો છે.
અચાનક આવેલા આ માવઠાને કારણે માર્કેટિંગ યાર્ડમાં રહેલા માલ-સામાનને બચાવવા માટે પણ વેપારીઓએ દોડધામ કરી હતી. જોકે, સામાન્ય નાગરિકો માટે આ પલટો સુખદ સાબિત થયો છે.
અચાનક વાતાવરણમાં પલટો આવવા સાથે હવાની ગતિ વધી ૧૨ કિમી અને ભેજ ૪૦ ટકા થઇ ગયો હતો. આથી તાપમાનમાં ઘટાડો થયો છે તા.૩-૫-૨૦૨૬ લઘુતમ તાપમાન ૨૭.૫ અને મહત્તમ ૪૨.૮ હતું. તા.૪-૫-૨૦૨૬ લઘુતમ તાપમાન ૨૭ અને મહત્તમ તાપમાન ૪૧.૮ ડિગ્રી થઇ ગયું હતું. આમ લધુતમ તાપમાન ૦.૫ અને મહત્તમ તાપમાન ૧ ડિગ્રી રહ્યું હતું.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ માવઠાંની આગાહી વચ્ચે ગોંડલ માં ગઇકાલે ભર બપોરે વરસાદી માહોલ સર્જાયો હતો.ગોંડલ માં હળવા જાપટા વરસ્યા હતાં.જ્યારે તાલુકા નાં દાળીયા,કોલીથડ, અનિડા,ડૈયા, ઉમવાડા વિસ્તારમાં ભારે પવન ફુંકાવાની સાથે ઝાપટાથી લઈ અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
દાળીયામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. પવનની ગતી તિવ્ર હોય અનિડા વેજાગામ વચ્ચે તથા લુણીવાવ નજીક વળક્ષોની ડાળીયો ધરાશય થતા કેટલીક જગ્યાએ રસ્તાઓ અવરોધાયા હતા.
કચ્છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ કચ્છ જિલ્લામાં ભારે ગરમી વચ્ચે સોમવારે બપોર બાદ અચાનક હવામાન પલટાયું હતું અને કમોસમી વરસાદ ત્રાટકયો હતો. ભચાઉ, અંજાર અને ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે છૂટોછવાયો ધોધમાર વરસાદ નોંધાયો હતો.
ભચાઉ તાલુકાના ચોબારી અને ખારોઈ ગામે, અંજાર તાલુકાના કોટડા અને ચાંદરાણી વિસ્તારમાં તેમજ ભુજ તાલુકાના મોડસર ગામે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હોવાના અહેવાલ છે. અચાનક આવેલા આ માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
ઉનાળુ પાક અને ઘાસચારાના પાકને નુકસાન થવાની ભીતિથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે.
જામકંડોરણા
(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણાઃ ગઇકાલે બપોરબાદ વાતાવરણમાં પલટો આવતા પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો. તાલુકાના સાતોદડ, ચરેલ, ધોળીધાર, જશાપર, બોરીયા સહિતના ગામોમાં પણ પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો. આ વરસાદથી ખેતીના ઉનાળુ પાકો તલ, મગ, અડદ સહિતના પાકોમાં નુકશાનીની ભિતિ સેવાઇ રહી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
