<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ગોંડલમાં ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ - લાખોના નુકસાનની આશંકા : ત્રણ ફાયર ફાઈટર ઘટનાસ્થળે : જુઓ વિડિયો

ગુંદાળા ચોકડી પાસે અમરદીપ હોટલ પાછળ આવેલા રૈયા રાજ ટાયર એન્ડ એગ્રીકલ્ચરમાં આગથી અફરાતફરી : ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો

ગોંડલ, તા. 3 : ગોંડલમાં આજે સવારે આગની મોટી ઘટના સામે આવી છે. ગોંડલની ગુંદાળા ચોકડી પાસે આવેલી અમરદીપ હોટલની પાછળ આવેલા રૈયા રાજ ટાયર એન્ડ એગ્રીકલ્ચરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.

આગ એટલી વિકરાળ હતી કે ટાયરો હોવાને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગોંડલ નગરપાલિકાની ત્રણ ફાયર ફાઈટરની ગાડીઓ તમામ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટેની કામગીરી શરૂ કરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, આ ગોડાઉનમાં મોટી સંખ્યામાં ટાયરોનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગમાં લાખો રૂપિયાના માલ-સામાનને નુકસાન થયું હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ફાયર વિભાગ દ્વારા હાલ આગને વધુ પ્રસરતી અટકાવવા અને સંપૂર્ણપણે ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.(તસવીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:35 AM IST)