તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
પોરબંદર-માધવપુર હાઈવે પર નવીબંદર નજીક ક્રેનમાં ભીષણ આગઃ વાહન રેઢું મૂકી ચાલક ફરાર
નવીબંદર નજીક ભારેખમ ક્રેનમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ:ચાલક વાહન છોડીને ફરાર થયો

પોરબંદર-માધવપુર નેશનલ હાઈવે પર પોરબંદરથી આશરે 31 કિલોમીટર દૂર નવીબંદર ગામ નજીક એક મહારાષ્ટ્ર પાસિંગની ભારેખમ ક્રેનમાં અગમ્ય કારણોસર અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા હાઈવે પર ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોરબંદરથી સોમનાથ તરફ્ જઈ રહેલી આ ક્રેનમાં આગ લાગ્યાની જાણ મહાનગરપાલિકાના મેયર સાગર મોદીને થતાં તેમણે ત્વરિત પગલાં લઈ ફાયર વિભાગને એલર્ટ કર્યો હતો. ફાયર કંટ્રોલ રૂમની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગના કારણે ક્રેનમાં ભારે નુકસાન થયું હતું. વાહનચાલકોની સલામતીના ભાગરૂપે થોડા સમય માટે હાઈવે પર વાહનવ્યવહાર અટકાવી દેવાતા ટ્રાફ્કિ જામ સર્જાયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાઈવેનો એક તરફ્નો માર્ગ બંધ રાખીને ફાયરની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
આશ્ચર્યની વાત એ છે કે, આગ લાગતા જ ક્રેનનો પરપ્રાંતીયચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ રેઢું મૂકીને નાસી છૂટયો હતો. ફાયર વિભાગે ચાલકનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો છતાં પત્તો લાગ્યો ન હતો. ચાલક ગાયબ હોવાથી આગ શોર્ટ સર્કિટથી લાગી છે કે કોઈ અન્ય ખામીથી તે કારણ હજુ અકબંધ છે. ઘટનાના બીજા દિવસે બપોર સુધી પોલીસ ચોપડે પણ આ અંગે કોઈ વિગત નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
