<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

જામનગરમાં ગુલાબનગર ડમ્પિંગ સાઇટની ભીષણ આગ છઠ્ઠા દિવસે કાબૂમાં : ફાયર બ્રિગેડની 6 દિવસની જહેમત રંગ લાવી : જુઓ વિડિયો

700 મીટર લાંબી પાઇપલાઇનથી સતત પાણીનો મારો ચલાવી આગ ઠારી, ઓવરબ્રિજ-રેલવે ટ્રેક નીચેથી પસાર કરી પાઇપલાઇન, હાલ ધૂંધવાટા પર નજર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ :  જામનગર શહેરના શ્યામનગર નજીક આવેલા ગુલાબનગર ડમ્પિંગ પોઈન્ટ ખાતે છેલ્લા છ દિવસથી સળગી રહેલી ભીષણ આગ આખરે આજે મોટા ભાગે કાબૂમાં આવી ગઈ છે. જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે દિવસ-રાત એક કરી સતત છ દિવસ સુધી રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરી હતી, જેને પગલે આગ પર સફળતા મળી છે.   

ડમ્પિંગ સાઇટ પર કચરાના વિશાળ ઢગલાઓમાં લાગેલી આગ ઉપરથી બુઝાયા બાદ પણ અંદરથી સતત ધૂંધવાતી રહેતી હતી. કચરાના થર નીચે ઓક્સિજન મળતા ફરી ભભૂકી ઊઠતી આગ ફાયર વિભાગ માટે ભારે પડકારજનક બની હતી. ગરમી અને ઝેરી ધુમાડાના કારણે કામગીરીમાં મુશ્કેલી પડતી હતી.  

આગ બુઝાવવાની કામગીરી વધુ અસરકારક બને તે માટે ફાયર બ્રિગેડે વિશેષ વ્યવસ્થા ગોઠવી હતી. પાણીના ટાંકાથી લઈને ડમ્પિંગ સાઇટ સુધી અંદાજે 700 મીટર લાંબી પાઇપલાઇન ગોઠવવામાં આવી હતી. એક પછી એક પાઇપ જોડીને સતત પ્રેશરથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરાઈ. ઓવરબ્રિજ, રેલવે ટ્રેક અને અન્ય અવરોધો નીચેથી પણ પાણીની પાઇપલાઇનો પસાર કરી આગ સુધી સીધો પાણીનો મારો પહોંચાડવામાં આવ્યો હતો.   

આજે છઠ્ઠા દિવસે પણ ત્રણ ફાયર ફાઇટરો સાથે દસથી વધુ ફાયરમેન અને જવાનોને સ્થળ પર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. ભારે મહેનત અને વ્યૂહાત્મક આયોજનના કારણે આગ પર હવે મોટાભાગે કાબૂ મેળવી લેવામાં સફળતા મળી છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ આગના નાના નાના ધૂંધવાટા પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સંપૂર્ણપણે ઠાર થાય ત્યાં સુધી ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવશે.  

છેલ્લા કેટલાક દિવસોથી ધુમાડા અને ઝેરી વાયુઓના કારણે શ્યામનગર અને આસપાસના વિસ્તારોના લોકો પરેશાન હતા. શ્વાસ લેવામાં તકલીફ, આંખમાં બળતરા જેવી ફરિયાદો ઉઠી હતી. આગ કાબૂમાં આવતા હવે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

(1:18 PM IST)