<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

મોરબીના મકનસરમાં ખૂંટીયો આડે આવતાં બાઇક સ્‍લીપ થઇ ગયું: ૧૮ વર્ષના સાગરનું મોત

ગામમાં મંડપનો સામાન લેવા જતી વખતને બનાવઃ સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્‍યુઃ જીંજુવાડીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૫: વાહન અકસ્‍માતના અનેક બનાવો રોડ પર અચાનક આવી જતાં પશુઓને કારણે પણ થતાં હોય છે. આવી વધુ એક ઘટના બની હતી. જેમાં મોરબીના મકનસરના એક પરિવારના અઢાર વર્ષના દિકરાનું મૃત્‍યુ થયું છે. બાઇક હંકારીને તે ગામમાં મંડપ સર્વિસનો સામાન લેવા જતો હતો ત્‍યારે અચાનક ખૂંટીયો આડે આવી જતાં બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં તેનું મૃત્‍યુ થયું  છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબીના મકનસરમાં રહેતો સાગર અશોકભાઇ જીંજીવાડીયા-કોળી (ઉ.વ.૧૮) ગત તા. ૨/૧૧ના સાંજે સાડા ચારેક વાગ્‍યે ગામમાં કોઇને ત્‍યાં મંડપ ફીટીંગનું કામ ચાલુ હોઇ તેમાં કોઇ સામાન ઘટતો હોઇ સાગરને લઇ આવી દેવાનું કહેતાં સાગર બાઇક હંકારી સામાન લેવા જવા નીકળ્‍યો હતો. એ દરમિયાન રસ્‍તામાં અચાનક ખૂંટીયો આવી જતાં સાગર બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી.સાગરને માથા, શરીરે ઇજા પહોંચી હોઇ મોરબી ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. સાગર એક બહેન અને ત્રણ ભાઇમાં સોૈથી નાનો હતો. તેના પિતા કારખાનામાં નોકરી કરે છે. સાગરે હાલમાં અભ્‍યાસ પુરો કર્યો હતો. યુવાન આશાસ્‍પદ દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:50 AM IST)