તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
સાવરકુંડલા એસટી ડેપો ખાતે અનેક બસના રૂટ કેન્સલ, મુસાફરો રઝળ્યાઃ વડાપ્રધાનની સભા માટે ૩૬ બસો ફાળવી'તી
અમરેલી ડિવિઝનની ૧૧૮ બસો ફાળવાતા લોકલ રૂટો ઠપ, ગારિયાધાર-ભાવનગરના મુસાફરો ભારે હાલાકીમાં, ખાનગી વાહનોમાં વધુ ભાડું ચૂકવવા મજબૂર

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૩: પ્રધાનમંત્રીની સોમનાથ ખાતેની સભા માટે એસટી બસોની ફાળવણીને પગલે સાવરકુંડલા એસટી ડેપો ખાતે આજે અનેક બસના રૂટો કેન્સલ થતા મુસાફરો ભારે કફોડી હાલતમાં મુકાયા હતા. અમરેલી ડિવિઝનની કુલ ૧૧૮ રૂટની એસટી બસો સોમનાથ જવા માટે ફાળવાતાં સામાન્ય જનતાને ભારે હાડમારી વેઠવી પડી છે.
સાવરકુંડલા ડેપો મેનેજર નથવાણી સાહેબ સાથે વાતચીત થતાં તેમણે જણાવ્યું કે, સાવરકુંડલા એસટી ડેપોની કુલ ૩૬ બસો સોમનાથ જવા માટે ફાળવાતા મોટાભાગના લોકલ રૂટો કેન્સલ થયા છે. ગારિયાધાર અને ભાવનગર તરફ જતા રૂટોની બસો કેન્સલ થતાં અચાનક સજીધજીને આવતાં મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી.
કોઈ નાના બાળકો સાથે તો કોઈ માલસામાન લઈને આવતાં મુસાફરોની સ્થિતિ દયનીય જોવા મળી. કોઈ શુભ પ્રસંગે તો કોઈ ઈમરજન્સી સારવાર માટે મુસાફરી કરતા લોકોને જબરજસ્તી ખાનગી વાહનોમાં વધુ ભાવ ચૂકવી મુસાફરી કરવી પડી. પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે બસની રાહ જોઈ રહેલા અનેક મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો.
એમાં પણ સાવરકુંડલા એસટી ડેપોનું રીનોવેશન ચાલુ હોવાથી પ્લેટફોર્મ પર આવતી બસો ક્યારે ક્યાં મૂકાશે એ નિヘતિ નથી. રડીખડી આવતી બસોમાં પણ એટલી ગિરદી હતી કે અનેક મુસાફરો બસમાં ચડી શકતા ન હતા.
આવી પરિસ્થિતિમાં સાવરકુંડલાના બુદ્ધિજીવીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કરકસરના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે? તાજેતરમાં પ્રધાનમંત્રીએ જનતાને પેટ્રોલ-ડીઝલ બચાવવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા અપીલ કરી હતી. પરંતુ એક તરફ ઈંધણ બચાવવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્ર જ લાખો લિટર ઈંધણનો વપરાશ કરીને ભીડ એકઠી કરવામાં વ્યસ્ત હોય તો પ્રધાનમંત્રીની આ અપીલ કેટલી સાર્થક ગણાય?
જનતાના ટેક્સના પૈસે ચાલતી પરિવહન સેવાને રાજકીય કાર્યક્રમોમાં જોતરી દેતા સામાન્ય માણસના આવશ્યક કાર્યો અટકી પડ્યા છે. આ કથની અને કરણી વચ્ચેનો તફાવત હવે ચર્ચાનો વિષય બન્યો છે
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
