તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્ર સાથે સેવાભાવી યુવાનોને સંગઠન સાથે જોડી વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનાવો: રત્નાકરજી
પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી કચ્છના પ્રવાસે: ભુજમાં સંગઠનાત્મક બેઠક, સેવાભાવી યુવાનોને જોડવાના અભિયાનનો પ્રારંભ, નખત્રાણામાં ભાજપ કાર્યાલયનું લોકાર્પણ અને માતાના મઢમાં મા આશાપુરાનાં દર્શન-આરતી કર્યાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૭ : પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી આજરોજ કચ્છના પ્રવાસે આવ્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપ કાર્યાલય ‘કચ્છ કમલમ્’, ભુજ ખાતે વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજાઈ હતી, જ્યારે નખત્રાણા ખાતે નૂતન ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દિવસના અંતે તેમણે કચ્છનાં આરાધ્ય દેવી મા આશાપુરાનાં માતાના મઢ ખાતે દર્શન અને આરતી કરીને ધન્યતા અનુભવી હતી. સમગ્ર દિવસ દરમિયાન ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા, સેવાભાવી યુવાનોને જોડવા અને છેવાડાના માનવી સુધી જનકલ્યાણનાં કાર્યો પહોંચાડવા અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પ્રવાસના પ્રારંભે સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય કાર્યો દ્વારા યોગદાન આપતા સેવાભાવી યુવાનોને ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે જોડવાના હેતુથી પરિચય વર્ગ યોજાયો હતો. આ પ્રસંગે રત્નાકરજીએ યુવાનો સાથે સંવાદ સાધીને તેમને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે રાષ્ટ્રસેવા અને જનકલ્યાણના સંકલ્પને સાકાર કરવા ભાજપના સંગઠન સાથે જોડાવા આહ્વાન કર્યું હતું.
રત્નાકરજીએ જણાવ્યું હતું કે, સમાજસેવાની ભાવનાને સંગઠનાત્મક શક્તિમાં પરિવર્તિત કરીને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોએ સક્રિય સહભાગી બનવું આવશ્યક છે. યુવાનોની શક્તિ, સેવાભાવ અને સમર્પણ રાષ્ટ્રના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે. સંગઠનના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવી શકાય છે અને જનજનના કલ્યાણના સંકલ્પને વધુ અસરકારક રીતે સાકાર કરી શકાય છે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, આ જ ઉદ્દેશ્ય સાથે ભાજપના છ મોરચા અને ૧૭ મંડળોમાં સેવાભાવી યુવાનોને સંગઠન સાથે જોડવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યુવાનોની શક્તિ અને સંગઠનની સામૂહિક તાકાતના સમન્વયથી રાષ્ટ્રસેવા તથા જનસેવાના કાર્યોને વધુ વેગ આપવાનો આ મહત્ત્વપૂર્ણ પ્રયાસ છે.
*શક્તિકેન્દ્રના સંયોજકોને સંગઠન મજબૂત બનાવવા માર્ગદર્શન*
ત્યારબાદ કચ્છ કમલમ્, ભુજ ખાતે રત્નાકરજીની ઉપસ્થિતિમાં શક્તિકેન્દ્રના સંયોજકોની વિશિષ્ટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંગઠનને બૂથ સ્તરે વધુ સુદૃઢ બનાવવા, કાર્યકર્તાઓ વચ્ચે સંકલન વધારવા અને જનસંપર્કને વધુ વ્યાપક તથા અસરકારક બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
શક્તિકેન્દ્રના સંયોજકોને માર્ગદર્શન આપતાં રત્નાકરજીએ જણાવ્યું હતું કે, શક્તિકેન્દ્ર સંગઠનની સૌથી મજબૂત કડી છે અને ચૂંટણીની કામગીરીની સાથે જનસેવાના ક્ષેત્રમાં પણ તેની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. દરેક સંયોજકે પોતાના વિસ્તારના નાગરિકો સાથે સતત સંવાદ જાળવી રાખવો જોઈએ અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સક્રિય પ્રયત્નો કરવા જોઈએ.
તેમણે બૂથ સ્તરની સમિતિઓને વધુ સક્રિય અને મજબૂત બનાવવા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, સંગઠનની સફળતા કાર્યકર્તાઓની નિષ્ઠા, પરિશ્રમ અને પરસ્પર સંકલન પર આધારિત છે. કાર્યકર્તાઓ એકજૂથ થઈને નિર્ધારિત લક્ષ્યો માટે સમર્પિત ભાવનાથી કાર્ય કરશે તો સંગઠનને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકાશે.
આ બેઠકમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
*નખત્રાણામાં નૂતન ભાજપ કાર્યાલયનું લોકાર્પણ*
કચ્છ પ્રવાસ દરમિયાન રત્નાકરજીએ નખત્રાણા ખાતે ભાજપના નૂતન કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નખત્રાણા ભાજપ કાર્યાલયના લોકાર્પણથી પશ્ચિમ કચ્છમાં ભાજપની સંગઠનાત્મક અને સેવાકીય કામગીરીને નવો વેગ મળશે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, કાર્યાલય એ કાર્યકર્તાઓ માટે એક એવી પાઠશાળા છે, જ્યાંથી સેવા, સંસ્કાર અને સંગઠનની સરવાણી સતત વહેતી રહે છે. કાર્યાલયના માધ્યમથી કાર્યકર્તાઓને માર્ગદર્શન, સંકલન અને જનસેવાની કામગીરી માટે વધુ સુદૃઢ વ્યવસ્થા ઉપલબ્ધ થશે. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, આ કાર્યાલયના ઉદ્ઘાટનથી છેવાડાના માનવી સુધી પહોંચવાના અને અંત્યોદયના વિચારને સાકાર કરવાના ધ્યેયને વધુ સારી રીતે સિદ્ધ કરી શકાશે.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ નૂતન કાર્યાલય સંગઠન, સરકાર અને લોકો વચ્ચેની મહત્ત્વપૂર્ણ કડી બનીને ભાજપના વિચારોને લોકો સુધી પહોંચાડવામાં અને જનસંપર્કને મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થશે. સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ કાર્યાલયને ભારતીય જનતા પાર્ટી માટે સેવાનું મંદિર ગણાવતાં જણાવ્યું હતું કે, સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ સમાજના ખૂણે-ખૂણે વસતા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા માટે કાર્યાલય એક ઉત્તમ માધ્યમ બની રહેશે.
સ્થાનિક ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રત્નાકરજીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ કાર્યાલયના માધ્યમથી વિસ્તારની જરૂરિયાતો, લોકોની માંગણીઓ અને સ્થાનિક પ્રશ્નોને વધુ ઝડપથી વાચા મળશે તથા સમગ્ર વિસ્તારના વિકાસને નવી દિશા મળશે. આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપના ત્રણેય મહામંત્રીઓ, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, નગરપાલિકા પ્રમુખ વસંતભાઈ વાઘેલા, મંડળ પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણી, મહામંત્રીઓ હરિસિંહ રાઠોડ અને અશ્વિનભાઈ સોની સહિતના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
*માતાના મઢમાં મા આશાપુરાનાં દર્શન-આરતી*
કચ્છ પ્રવાસના અંતિમ ચરણમાં રત્નાકરજીએ હાલમાં ચાલી રહેલા નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે કચ્છનાં ધણિયાણી દેશદેવી મા આશાપુરાના માતાના મઢ ખાતે દર્શન કર્યા હતા અને આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. આમ, પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજીના કચ્છ પ્રવાસ દરમિયાન યુવાનોને સંગઠન સાથે જોડવા, શક્તિકેન્દ્ર અને બૂથ સ્તરે સંગઠનને મજબૂત બનાવવા તથા નખત્રાણા ખાતે નવા કાર્યાલયના લોકાર્પણ જેવા કાર્યક્રમો યોજાયા હતા. રાષ્ટ્રસેવા, જનકલ્યાણ અને સંગઠનાત્મક મજબૂતીના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમોની વિગતો કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવવામાં આવી હતી.
(9:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
