તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા કોર્પોરેશનની ચૂંટણી અંતર્ગત ઘોષણા પત્ર જાહેર : 'જામનગરને જાનદાર-શાનદાર-જાજરમાન બનાવવાનો સંકલ્પ'
ગ્રીન રીંગ રોડથી લઈ રિવર ફ્રન્ટ સુધીના 26 મુદ્દાઓ સાથે વિકાસનો રોડમેપ, 'જીતશે વિશ્વાસ, ખીલશે વિકાસ'નો નારો : પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી,શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના ઉપસ્થિત

જામનગર:જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સંકલ્પ પત્ર જાહેર કરી 26 મુદ્દે આવનારા સમયમાં વિકાસ કરવાની નેમ જાહેર કરી છે. મેનિફેસ્ટો જાહેર કરતા શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શહેર ભાજપ પ્રભારી ધનસુખ ભંડેરી, ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ મીડિયા સમક્ષ રજૂ કર્યું હતું. (તસવીર : કિંજલ કારસરીયા-જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૫ : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ સાથે અગણિત વિકાસ કાર્યોનો સાક્ષાત્કાર કરાવી ભાજપાએ
લોકોના મત નહીં પણ મન જીત્યા છે. ત્રણ દાયકા પહેલાના અવિકસિત નગરને નવોન્મેષ આપવા અનેક મક્કમ પ્રયાસો દ્વારા વિકસિત મહાનગર બનાવવાનું શ્રેય ભાજપાને સાંપડ્યું છે. આગામી પાંચ વર્ષમાં આ વિકાસ યાત્રાના શ્રેષ્ઠ આયામો સર કરવા કટિબદ્ધતા સાથે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ પૂનમબેન માડમ, મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા કોર્પોરેટરોના સહિયારા પ્રયાસો સાથે જામનગરને ગુજરાતનું શ્રેષ્ઠ મહાનગર બનાવવા સંકલ્પ લેવાયો છે. 'ટીમ' ભાજપા જામનગરના 'સંકલ્પ' હેઠળ કુલ 26 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગ્રીન રીંગ રોડ પ્રોજેક્ટ હેઠળ રાવલસરથી દરેડ બાયપાસ સુધી 13 કિ.મી.નો નવો 45 મીટર પહોળો રીંગ રોડ, સમર્પણથી બેડી થઈ ગુલાબનગર સુધી વિસ્તરણ, ઠેબા જંક્શન પર 6 લેન ફ્લાયઓવર, સમર્પણ જંક્શન પર 4 લેન ફ્લાયઓવર અને ખંભાળીયા બાયપાસ-નાઘેડી જંક્શન પર 2 લેયર ફ્લાયઓવરનું આયોજન છે. ફાટક મુક્ત જામનગર માટે વિજયનગર જકાતનાકા અને પોલીટેકનીક કોલેજ પાસેના ફાટક પર બ્રિજ બનશે.
ગ્રીન કવરેજ વધારવા આગામી 5 વર્ષમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર, 10 નવા ગાર્ડન અને 10 નવા અર્બન ફોરેસ્ટ બનાવાશે. રણમલ લેક, ધુંવાવ તળાવ, લહેર તળાવનું નવીનીકરણ અને ગાંધીનગર પાસે નવું તળાવ બનશે. રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ હેઠળ રંગમતી નદી રીજુવીનેશન પ્રોજેક્ટ ફેઝ-1 ખોડિયાર મંદિરથી વ્હોરાના હજીરા સુધી અને ફેઝ-2માં વ્હોરાના હજીરાથી ગાંધીનગર એસ.ટી.પી. સુધી 5 કિ.મી. રીટેઈનીંગ વોલનું આયોજન છે.
રીન્યુએબલ એનર્જી માટે સોલાર રૂફટોપ અને સોલાર પાર્ક, પી.એમ. ઇ-બસ યોજના હેઠળ 50 ઈલેક્ટ્રીક બસો, પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ હાપા અને માર્કેટીંગ યાર્ડ વિસ્તારમાં 1600 આવાસનું નિર્માણ, 1404 રીડેવલોપમેન્ટ હેઠળ જર્જરિત આવાસોનું પુન:નિર્માણ, નલ-સે-જલ યોજના હેઠળ 30 એમ.એલ.ડી.ના નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રણજિત સાગર ડેમ સ્ટ્રેન્ધનીંગ, ભૂગર્ભ ગટર માટે રૂ. 189 કરોડની દરખાસ્ત અને 10 એમ.એલ.ડી. CETP પ્લાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય માટે અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર, શિક્ષણ માટે 4 સ્માર્ટ સ્કૂલ અને 2 નવી સ્કૂલ, 15 કિ.મી. સેન્ટર લાઇટ, બંને વિધાનસભા વિસ્તારમાં ઈ-લાઇબ્રેરી, બાલાહનુમાન મંદિર પાસે પ્રભુશ્રી રામની વિશાળ પ્રતિમા, માંડવી ટાવર રેસ્ટોરેશન, રમત-ગમત માટે વિશાલ હોટલ પાછળ 42 કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ, નવા ફાયર સ્ટેશન, વેસ્ટ-ટુ-વન્ડર પાર્ક, 60 કિ.મી. સ્ટોર્મ વોટર નેટવર્ક, ચેલા પાસે ત્રીજું સ્મશાનગૃહ, રીયુઝ વેસ્ટ વોટર પ્લાન્ટ, કેચ ધ રેઈન, રખડતા પશુ નિયંત્રણ માટે શેલ્ટર હોમ, બેડીપોર્ટ પર્યટન માટે નેકલેસ પાર્ક અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે 6 લેન રોડ સહિતના મુદ્દાઓનો ઘોષણા પત્રમાં સમાવેશ થાય છે.
ભાજપાએ 'જીતશે વિશ્વાસ, ખીલશે વિકાસ'ના નારા સાથે જામનગરને હાઈટેક સીટી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ પ્રેસ કોન્ફ્રન્સમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, પૂર્વ મેયર વિનોદ ખીમસૂર્યા, ઘોષણા પત્ર સમિતિ ઈનચાર્જ મનીષ કટારિયા, સહ ઈનચાર્જ સુભાષ જોષી, આશિષ જોષી, અશોકભાઈ વસિયર, મીડિયા કન્વીનર ભાર્ગવ ઠાકર, સહ કન્વીનર નિકુલદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
