News of Friday, 11th September 2026
ધ્રોલના ઐતિહાસિક ભૂચરમોરી મેળામાં માનવ મહેરામણ : રાત્રે રાઈડ્સ શરૂ થતાં જ રંગત જામી
દેવ પગલી અને હેતલબેન રબારીના સૂર પર ખેલૈયા ઝૂમ્યાઃ ધ્રોલમાં પ્રથમ વખત સાંસ્કળતિક રંગો સાથે મેળો યોજાયો..: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરજનોએ મોજ માણીઃ આજે અંતિમ દિવસે હાસ્ય કલાકાર હકાભા ગઢવી રમઝટ બોલાવશે..

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૨: ધ્રોલ નજીક આવેલ ઐતિહાસિક ભૂચર મોરીના વિશાળ મેદાનમાં નગરપાલિકા આયોજિત ત્રણ દિવસીય ભવ્ય લોકમેળામાં જનમેદનીનું ઘોડાપૂર ઊમટી પડ્યું છે. પ્રથમ દિવસે સાંજે ૫ વાગ્યે મેળાનું ઉદ્ધાટન થવાનું હતું, પરંતુ અચાનક મેઘરાજાની એન્ટ્રી થતાં મેળાના રંગમાં ભંગ પડ્યો હતો. જોકે, બીજા દિવસે વાતાવરણ ચોખ્ખું રહેતાં સવારથી જ લોકો મેળાના મેદાનમાં પહોંચવા લાગ્યા હતા.
દિવસ દરમિયાન ચકડોળ, ફઝર અને રાઈડ્સની જરૂરી સરકારી મંજૂરીઓ બાકી હોવાથી મેળો પ્રમાણમાં ધીમો ચાલ્યો હતો. પરંતુ રાત્રે ૮ વાગ્યાની આસપાસ તમામ રાઈડ્સ અને ચકડોળને સત્તાવાર મંજૂરી મળતાં જ લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. આકાશ આંબતા વિશાળ ચકડોળ, ચકેડી અને યાંત્રિક રાઈડ્સ શરૂ થતાં જ આખું મેદાન લોકોના હર્ષોલ્લાસથી ગૂંજી ઊઠ્યું હતું. રંગબેરંગી લાઈટિંગ અને ફેન્સી ડેકોરેશનની રોશનીમાં મેળો ઝગમગી ઊઠ્યો હતો.
ધ્રોલના મેળાની સાથોસાથ ભવ્ય સાંસ્કળતિક કાર્યક્રમોની પરંપરા શરૂ કરવામાં આવી છે. ગત રાત્રે લોકપ્રિય કલાકાર દેવ પગલી તેમજ હેતલબેન રબારીએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. કલાકારોના તાલ પર હજારોની મેદની અકળે-ટકળે ઝૂમી ઊઠી હતી અને મોડી રાત સુધી લોકોએ મન મૂકીને ઉત્સવ માણ્યો હતો.
આ વર્ષે ધ્રોલ નગરપાલિકા દ્વારા પારદર્શક હરાજી પ્રક્રિયા હાથ ધરીને મોરબીની અમર એન્ટરપ્રાઈઝને રૂ. ૨૫ લાખમાં મેળાનું સંચાલન સોંપવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા પાલિકા પ્રમુખ વિજયભાઈ વાઘેલા, ઉપપ્રમુખ રંજનબેન દલસાણીયા, કારોબારી અધ્યક્ષ સુરેશભાઈ ગોસાઈ, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિત તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો અને પાલિકાના સમગ્ર સ્ટાફે ખડેપગે રહી ભારે જહેમત ઉઠાવી છે. મુલાકાતીઓની સુરક્ષા માટે ધ્રોલ પોલીસ દ્વારા મેળા ગ્રાઉન્ડ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આજે લોકમેળાનો ત્રીજો અને અંતિમ દિવસ છે. આજે સાંજે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી પોતાના આગવા અંદાજમાં લોકડાયરો અને હાસ્યરસ પીરસીને લોકોને પેટ પકડીને હસાવશે, જેને માણવા માટે આજે પણ આજુબાજુના ગ્રામ્ય પંથકમાંથી હજારોની સંખ્યામાં જનમેદની ઊમટે તેવી પૂરી શકયતા છે. (૩.૫)
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
