તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Friday, 29th May 2026
સલાયા પાંજરાપોળ પાસે દેશી ઘીના નામે કેમિકલયુક્ત ભેળસેળયુક્ત ઘી વેચી માનવ આરોગ્ય સાથે ચેડા કરતી 76 વર્ષીય વૃદ્ધા ઝડપાઈ: SOG દ્વારકાની સફળ રેડ
બાતમીના આધારે કાર્યવાહી: 5 કિલો નકલી ઘી કિંમત રૂ. 2,700 નો જથ્થો જપ્ત કરી ફૂડ વિભાગે નાશ કર્યો, સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતે દેશી ઘીના નામે ગંભીર કેમિકલો અને અન્ય પદાર્થોની ભેળસેળ કરી માનવ સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવાનું કૌભાંડ ઝડપાયું છે. SOG દ્વારકાની ટીમે સલાયા પાંજરાપોળ ગેઈટ પાસેથી 76 વર્ષીય મહિલાને ભેળસેળયુક્ત ઘી વેચતા રંગેહાથ ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી 5 કિલો જેટલું બનાવટી ઘી કબજે કરી ફૂડ વિભાગ મારફતે નાશ કરાવ્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા જયરાજસિંહ વાળાની સૂચના અને માર્ગદર્શન મુજબ SOG પીઆઈ વી.એ.રાણા અને PSI ડી.એ.વાળાની ટીમે આ મહત્વની કામગીરી પાર પાડી હતી.
SOG સ્ટાફ સલાયા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ હરદિપસિંહ હેમંતસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ મહાવિરસિંહ બળવંતસિંહ ગોહિલને ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળી હતી કે ખંભાળીયા ખાતે રહેતા મયાબેન વા.ઓફ બુધાભાઈ પુંજાભાઈ વકાતર, ઉ.વ.76, રહે. સંજયનગર, પાવર હાઉસની પાછળ, બાલ મંદિરની બાજુમાં વાળા દેશી ઘીમાં ભેળસેળ કરી સલાયા પાંજરાપોળ ગેઈટ પાસે વેચાણ કરે છે. ઘીની બનાવટમાં માનવ જીવન માટે જોખમકારક કેમિકલોનો ઉપયોગ થતો હોવાની પણ બાતમી મળી હતી.
બાતમીના આધારે તુરંત કાર્યવાહી કરી સલાયા પાંજરાપોળ ખાતે તપાસ કરતા આરોપી મયાબેન હાજર મળી આવ્યા હતા. તેમની પાસેથી બનાવટી ઘીનો જથ્થો મળી આવતા ફૂડ ઇન્સ્પેક્ટરશ્રી રોહિતભાઈ કોટડીયા, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જામનગરને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગ દ્વારા ભેળસેળયુક્ત ઘીના સેમ્પલ લઈ તપાસ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે. બાકી વધેલ અંદાજીત 5 કિલોગ્રામ ઘી, જેની અંદાજિત કિં.રૂ. 2,700/- ગણી, સ્થળ પર જ નાશ કરવામાં આવેલ છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ કામગીરીમાં SOG PI વી.એ.રાણા, PSI ડી.એ.વાળા, ASI હરદેવસિંહ જાડેજા, ASI દેવેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ હરદિપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ મહાવિરસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા તથા ફૂડ ઇન્સ્પેક્ટર રોહિતભાઈ કોટડીયા જોડાયા હતા.
SOG પોલીસે લોકોને અપીલ કરી છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કે શંકાસ્પદ વસ્તુ જણાય તો તુરંત પોલીસ અથવા ફૂડ વિભાગનો સંપર્ક કરે જેથી માનવ આરોગ્ય સાથે થતા ચેડા અટકાવી શકાય.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
