News of Saturday, 11th July 2026
ગિરનાર પર્વત વિસ્તારમાં ૧૧ વર્ષના બાળકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહને વન વિભાગે પકડયો
સિંહે કરેલ ઉલ્ટીમાંથી માનવશરીરના અંગો મળી આવતા આ સિંહ જ નરભક્ષી હોવાનું ખુલ્યુઃ એનીમલ કેર સેન્ટરમાં ધકેલી દેવાયો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૧: જુનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત ઉપર ૧૧ વર્ષના બાળકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહને વન વિભાગની ટીમે સફળતાપૂર્વક પકડી લીધો છે. સિંહને કાબૂમાં લેવા માટે સાસણ ગીરની ખાસ રેસ્કયુ ટીમને બોલાવવામાં આવી હતી અને લાંબા પ્રયાસો બાદ તેને પાંજરામાં પુરી બેભાન કરવાની ગનથી બેભાન કરીને રેસ્કયુ કરવામાં આવ્યો હતો. સિંહે કરેલી ઉલ્ટીમાંથી માનવઅંગો મળતા આ સિંહે જ બાળકનો શિકાર કર્યો હોવાનું ખુલ્યુ હતું.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગિરનાર વન્યજીવ અભયારણ્યને અડીને આવેલા રેવન્યુ વિસ્તારમાં સિંહ ફરી રહ્યો હતો. ગામના લોકોમાં ગભરાટ ફેલાતા વન વિભાગે તાત્કાલિક ૨૦ જેટલા ટ્રેકર્સ, પશુ ચિકિત્સકો અને અધિકારીઓની ટીમ તૈનાત કરી હતી. સિંહને ચોક્કસ જગ્યાએ લાવવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આખરે સિંહ પાંજરામાં પ્રવેશતા જ તેને બેભાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
પકડાયા બાદ સિંહને આગળની ફોરેન્સિક તપાસ માટે વન વિભાગના રેસ્કયુ સેન્ટર ખસેડવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે સિંહના પગલાના નિશાન અને મળનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવશે. જો માનવ અવશેષો મળશે તો તેને માનવભક્ષી જાહેર કરીને આજીવન પાંજરામાં રાખવામાં આવશે. અગાઉ પણ ગીર નજીક માનવભક્ષી બનેલા સિંહોની આવી જ રીતે તપાસ કરીને તેમને સક્કરબાગ ઝૂ અને રેસ્કયુ સેન્ટરમાં કાયમ માટે રાખવામાં આવ્યા હતા.
વન વિભાગે સ્થાનિક લોકોને રાત્રે એકલા બહાર ન નીકળવા અને પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના આપી છે. સિંહને પકડવાની કાર્યવાહી દરમિયાન ગામમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને વન્યજીવ તેમજ માણસો બંનેની સલામતીને ધ્યાનમાં રાખીને ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.
હાલ સિંહને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ તેના ભવિષ્ય અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.(૨.૩૦)
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
