<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

પોલીસીના નાણા ઉપાડવા માટે ખોટા દસ્‍તાવેજ બનાવનાર ભાવનગરમાં ઝડપાયો

વીમાધારકોની રકમ ઉપાડી લેવાનું કૌભાંડ સુરેન્‍દ્રનગર પોલીસે ઝડપી લીધા બાદ અત્‍યાર સુધીમાં ૩ આરોપીઓની ધરપકડ

 

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨: સુરેન્‍દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્વારા એલ.આઇ.સી પોલીસી બારોબાર ઉપાડી લઈ અને વીમાધારકો સાથે છેતરપિંડી કરી હોવાનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્‍યું છે રાજ્‍ય વ્‍યાપી આ નેટવર્ક છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લા ઉપરાંત જયપુર રાજસ્‍થાન સુરેન્‍દ્રનગર અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં અને રાજ્‍યમાં વીમા ધારકો સાથે છેતરપીડી કરી અને તેમના રૂપિયા ઉપાડી લેવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું છે.

સુરેન્‍દ્રનગરના એલ.આઇ.સીના બ્રાન્‍ચ મેનેજર દીપેન્‍દ્રકુમાર કૌશલ કિશોર શ્રીવાસ્‍તવ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા વેરા પલટો કરી અને પ્રથમ તબક્કામાં નિલેશ ભોથાભાઈ ચુડાસમા રહે ભાવનગર તેમજ વિપુલભાઈ રાઠોડ રહે ભાવનગર વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

સુરેન્‍દ્રનગર એલઆઇસીમાં ૧૯૯૩ માં વીમાધારક દ્વારા વીમો ઉતરાવવામાં આવ્‍યો હતો, પરંતુ તેની પોલીસી અનક્‍લેમ કરવામાં આવી હતી, પરંતુ ઝડપાયેલી ટોળકી દ્વારા તેમની વીમા પોલિસી ઉપાડવા માટે વીમા પોલિસી ધારકનું ખોટું ખાતું બેન્‍કમાં ખોલાવવામાં આવ્‍યું હતું અને ખોટું આધાર કાર્ડ અને અન્‍ય ડોકયુમેન્‍ટ પણ ભા કરવામાં આવ્‍યા હતા. ત્‍યારે આ તમામ ડોકયુમેન્‍ટ ઊભા કરી અને તેનો ગેર ઉપયોગ કરી અને ૪.૯૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

આ અંગે વીમાધારક એલ.આઇ.સી એજન્‍ટ પાસે પોતાના રૂપિયા પોલીસીના લેવા ગયા ત્‍યારે એ રૂપિયા તો ચૂકવાઇ ગયા છે તેવો જવાબ મળતા વીમાધારક પણ ચોકી ઉઠ્‍યા હતા અને આ મુદ્દે તપાસ હાથ ધરી અને બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો ત્‍યારે બી ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે ત્‍યારે ઝડપાયેલી ટોળકી દ્વારા ખોટા આધારકાર્ડ ખોટા પાનકાર્ડ ખોટા એફિડેવિટ અને ખોટું બેન્‍કમાં ખાતું ખોલાવી અને ૪.૯૧ લાખ રૂપિયા પોલીસીના નામે વીમાધારકના પડાવી લીધા હોવાનું સામે આવ્‍યું છે.

આ અંગે માસ્‍ટર માઈન્‍ડ ઇરફાન રહે ભાવનગર વાળાની પણ હવે ધરપકડ કરવામાં આવી છે અને તેના દ્વારા જ ખોટા આધારકાર્ડ અને દસ્‍તાવેજો બનાવવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું છે ત્‍યારે આ અંગે હજુ પણ ત્રણથી ચાર જેટલા આરોપીઓ આ ટોળકી સાથે સંડોવાયેલા હોય અને અન્‍ય અધિકારીઓ પણ સંકળાયેલા હોવાની પોલીસને શંકા છે ત્‍યારે હવે વધુ તપાસ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ઝેબલિયા અને તેમનો સ્‍ટાફ ચલાવી રહ્યો છે.

(1:27 PM IST)