તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી ૩૦ અને ૩૧ ઓક્ટોબરના ગુજરાત પ્રવાસને સફળ બનાવવા સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે મળી આયોજન બેઠક
સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત અને એમડી એચ.આર. જોષીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં બનાસકાંઠાના ભીલડી ખાતે રિસર્ચ સેન્ટરના લોકાર્પણ અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ

સિહોર : સિહોર સ્થિત સર્વોત્તમ ડેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી ગુજરાત પ્રવાસના સ્વાગત અને આયોજન અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આગામી ૩૦ અને ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે, ત્યારે તેમના સત્કાર અને આયોજિત કાર્યક્રમોની સુચારુ રૂપરેખા તૈયાર કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત અને સ્થાપક તથા મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીની વિશેષ ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, જિલ્લા રજિસ્ટ્રાર એ.ડી. દેસાઈ તેમજ સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત તમામ દૂધ મંડળીઓના કાર્યવાહકો અને મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં વિગતવાર ચર્ચા કરતા જણાવવામાં આવ્યું હતું કે આગામી ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે અને આ સાથે જ દેશભરમાં રાષ્ટ્રવ્યાપી પીએમ કિસાન ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ ઉપરાંત ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. જિલ્લાની દરેક જિલ્લા પંચાયત સીટના બે ગામોમાં આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે સર્વોત્તમ ડેરી સાથે જોડાયેલી તમામ દૂધ મંડળીઓના પશુપાલકો ઉત્સાહભેર જોડાય તે માટે બેઠકમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ કાર્યવાહકોને પશુપાલકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રાખી આ કાર્યક્રમ નિહાળવા માટે પ્રેરિત કરવા અનુરોધ કરાયો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
