તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
જામનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો: બંધ રૂમમાંથી ૭૬૦૦થી વધુ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ
રૂ. ૨૭ લાખથી વધુની કિંમતનો શરાબ જપ્ત: પોલીસના આગમન પૂર્વે જ બુટલેગર ફરાર : જામનગરના રહેણાંક વિસ્તારમાં ચાલતા દારૂના કટિંગ પર ત્રાટકી ગાંધીનગરની ટીમ

જામનગર:ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર શહેરમાંથી ફરી એકવાર મસમોટો દારૂનો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે બાતમીના આધારે જામનગરમાં એક બંધ રૂમમાં દરોડો પાડીને અંદાજે ૭૬૦૦થી વધુ વિદેશી દારૂની બોટલોનો જથ્થો કબજે કર્યો છે. જોકે, પોલીસ દરોડો પાડે તે પહેલા જ મુખ્ય આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના એક રહેણાંક વિસ્તારમાં આવેલા બંધ મકાન/રૂમમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે ઓચિંતો દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આખા રૂમમાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૭૬૦૦થી વધુ બોટલો વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવામાં આવી હતી. પોલીસે આ તમામ જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત લાખો રૂપિયામાં અંકાય રહી છે.
પોલીસની આ રેડ દરમિયાન મુખ્ય આરોપી ત્યાં હાજર મળી આવ્યો ન હતો. પોલીસને શંકા છે કે દરોડાની ગંધ આવી જતાં આરોપી અગાઉ જ ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી, ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જામનગર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા આ દરોડાથી સ્થાનિક પોલીસતંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
