News of Sunday, 28th June 2026
કચ્છના રાપર તાલુકામાં મોટું ઓપરેશન :અનેક સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત સાથે હજારો ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવી
પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા અને રાપર મામલતદાર એચ.બી. વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ આ આખી કાર્યવાહી

સરહદી જિલ્લા કચ્છમાં સરકારી જમીનો પચાવી પાડનારા તત્વો સામે પૂર્વ કચ્છ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક સાથે લાલ આંખ કરવામાં આવી છે. રાપર તાલુકાના ચિત્રોડ ગામ સહિત બાલાસર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં સરહદી સુરક્ષાને જોખમરૂપ બની શકે તેવા અનેક ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ જેસીબી અને બુલડોઝરની મદદથી મેગા ઓપરેશન હાથ ધરીને લાખો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરાવી છે. પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર , નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા અને રાપર મામલતદાર એચ.બી. વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ આ આખી કાર્યવાહી પાર પાડવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાપરના ચિત્રોડ ગામે સોહિલ રમજુ રાઉમા નામના શખ્સ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે ચિકનની દુકાન ઊભી કરી દેવાઈ હોવાની વહીવટી તંત્રને સત્તાવાર રજૂઆત મળી હતી. આ રજૂઆતના પગલે મામલતદાર સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને દબાણ હટાવી લાખોની જમીન મુક્ત કરાવી હતી. આ ઉપરાંત, બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારના દેશલપર અને રાસાજી ગઢડા સીમમાં પણ મોટું ઓપરેશન હાથ ધરાયું હતું. અહીં દેશલપર ખાતે સણોસરા પીરની દરગાહનું અંદાજે ૨૦૦ ચોરસ મીટર અને સાકરિયા પીરની દરગાહ પરનું આશરે 600 ચોરસ મીટર ગેરકાયદેસર બાંધકામ હટાવી દેવાયું હતું.
આ ઓપરેશન દરમિયાન અલી હાસમ કુંભાર દ્વારા સરકારી જમીન પર ઊભા કરાયેલા ઇંટના ભઠ્ઠા, રૂમ અને પાણીની ટાંકી સહિત આશરે 8,000 ચોરસ મીટરનો વિશાળ વિસ્તાર ખાલી કરાવાયો હતો. આ સાથે જ રાસાજી ગઢડા સીમ વિસ્તારમાં હઝરત પીર અલી બાવાની દરગાહ સંબંધિત આશરે 2,000 ચોરસ મીટરનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ મહા-ઝુંબેશમાં કુલ હજારો ચોરસ મીટર રાષ્ટ્રીય અને સરકારી જમીન સંપૂર્ણપણે દબાણમુક્ત કરવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
