News of Saturday, 1st August 2026
કચ્છમાં સાયબર ઠગાઈનો મોટો આતંક: માંડવી અને મુંદરામાં ગઠિયાઓએ બેંક ખાતામાંથી લાખો રૂપિયા સેરવી લીધા, પોલીસે હાથ ધરી તપાસ!
પદમપુરના ખેડૂતના ખાતામાંથી ઓટીપી શેર કર્યા વિના ૬.૩૩ લાખ ઉપડી ગયા; તો મુંદરામાં રિફંડ અપાવવાની લાલચ આપી ઓટો-પે મોડેલથી મોબાઈલ હેક કરી કરી ઠગાઈ

ભુજ : સીમાવર્તી કચ્છ જિલ્લામાં ઓનલાઈન સાયબર ક્રાઈમના બનાવોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં બંદરીય માંડવી તાલુકાના પદમપુર અને મુંદરાના સમાઘોઘા ગામમાં સાયબર ગઠિયાઓએ બેંક ખાતાઓમાંથી ઓનલાઈન નાણાં ઉપાડી લીધા હોવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં ભોગ બનનારાઓએ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદો નોંધાવી છે.
ઓટીપી શેર કર્યા વિના જ ખેડૂતના ખાતામાંથી ૬.૩૩ લાખ ગાયબ
માંડવી તાલુકાના પદમપુર ગામે રહેતા ખેડૂત મોહનલાલ શામજીભાઈ રામાણીના બેંક ખાતામાંથી ગત જૂન માસ દરમિયાન તબક્કાવાર જુદા-જુદા ટ્રાન્ઝેક્શન થઈ કુલ રૂપિયા ૬,૩૩,૯૮૬ સાયબર ઠગિયાઓ સેરવી ગયા હતા. ખેડૂતના મોબાઈલમાં અચાનક નાણાં કપાયાના મેસેજ આવતાં તેમણે તપાસ કરી તો ફોનમાં વિવિધ કંપનીઓના ઓટીપી આવેલા જોવા મળ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે ખેડૂતે આ ઓટીપી કોઈની સાથે શેર કર્યા જ નહોતા! સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાની જાણ થતાં જ તેમણે તુરંત બેંકમાં પહોંચી ખાતું સીલ કરાવ્યું હતું. આ મામલે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
રૂ. ૧૯૯ના રિફંડની લાલચ આપી મોબાઈલ હેક કર્યો, ૨૪ હજાર પડાવ્યા
બીજા બનાવમાં, મુંદરા તાલુકાના સમાઘોઘા ખાતે રહેતા દિલીપકુમાર બીજય તિવારી નામના યુવક સાથે ઓનલાઈન ઠગાઈ થઈ હતી. તેમના બેંક ખાતામાંથી ઓટો-પે મારફતે ભૂલથી ૧૯૯ રૂપિયા કપાયા હતા. આ નાણાં પરત અપાવવાની લાલચ આપીને એક અજાણ્યા સાયબર ઠગે વોટ્સએપ કોલ દ્વારા તેમનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ ગઠિયાએ ફરિયાદીનો મોબાઈલ હેક કરી તેમના એચડીએફસી અને બેંક ઓફ બરોડાના ખાતામાંથી કુલ રૂપિયા ૨૪,૫૦૦ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે મુંદરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
