<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

જામનગર મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી: શહેરમાં 164થી વધુ પેઢીઓની તપાસ : 120 કિલો વાસી ખોરાક અને 45 કિલો તેલનો નાશ : ₹19,000 નો દંડ વસૂલાયો

કમિશનર દિપેશ કેડિયાની સુચનાથી હેલ્પી ફૂડ, ફાસ્ટફૂડ, હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ - પ્રિન્ટેડ પસ્તી, વાસી ખોરાક અને હાઇજીનના મુદ્દે કડક કાર્યવાહી, નાગરિકોને પણ સાવધાન રહેવા અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૫ : શહેરીજનોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી દિપેશ કેડિયાની સ્પષ્ટ સુચના બાદ ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા શહેરભરમાં ફૂડ સેફ્ટીને લઈને મોટા પાયે સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના હેલ્પી/હાઇજીન ફૂડ સેન્ટરો, ફાસ્ટફૂડની રેકડીઓ, ફરસાણની દુકાનો તેમજ હોટલ-રેસ્ટોરન્ટમાં વપરાતા ખાદ્ય તેલ, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અને વાસી ખોરાકના વેચાણ અંગે ખાસ ચકાસણી કરવામાં આવી.

 

ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં જઈને સૌપ્રથમ ફરસાણ અને ફાસ્ટફૂડના વિક્રેતાઓની તપાસ કરી હતી. આ દરમિયાન ખાસ કરીને ખોરાક પીરસવા માટે પ્રિન્ટેડ પસ્તી અને અખબારના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ટીમે તમામ વિક્રેતાઓને તાત્કાલિક પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ બંધ કરવા તાકીદ કરી હતી. આ ઝુંબેશમાં કુલ *71 પેઢીઓની તપાસ* કરવામાં આવી. જેમાં વારંવાર તળાયેલું અને બિનઆરોગ્યપ્રદ *45 કિલો ખાદ્ય તેલ* તથા *15 કિલો પ્રિન્ટેડ પસ્તીનો જથ્થો* સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અનહાઇજીનિક કન્ડિશનમાં રાખવામાં આવેલ *25 કિલો વાસી ખોરાકનો જથ્થો* પણ જપ્ત કરીને નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી.

 

બીજા તબક્કામાં FSO ની ટીમે શહેરની વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ અને આઈસ્ક્રીમ ફેક્ટરીઓની તપાસ કરી હતી. આ દરમિયાન *93 જેટલી પેઢીઓનું નિરીક્ષણ* કરવામાં આવ્યું અને તેમાંથી *40 કિલો વાસી ખાદ્ય જથ્થો* નાશ કરવામાં આવ્યો. ટીમે *4 આઈસ્ક્રીમ ફેક્ટરીઓની* પણ મુલાકાત લઈને ત્યાં સફાઈ-સ્વચ્છતા, હાઇજીનિક કન્ડિશન અને કલોરિનેશનનું રૂટિન યોગ્ય રીતે જાળવવા સંબંધિત સુચનાઓ આપી હતી.

 

નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી. પાણાખાણ વિસ્તારમાં આવેલી *7 પેઢીઓમાં રૂબરૂ ઇન્સ્પેક્શન* દરમિયાન સફાઈ ન જાળવવા, ગ્રાહકોને બિલ ન આપવા જેવી અનિયમિતતાઓ જણાતા કુલ *₹14,000/- નો દંડ* ફટકારવામાં આવ્યો. તેવી જ રીતે ઓનલાઈન મળેલી ફરિયાદના આધારે શંકર ટેકરા રોડ પર આવેલ *શ્રી સાંઈ બેકર્સ*માં તપાસ કરતા એક્સપાયરી ડેટ વાળા *24 પેકેટ ખાદ્ય ચીજો* મળી આવતા તેનો નાશ કરીને સંચાલકને *₹5,000/- નો દંડ* કરવામાં આવ્યો.

 

આ ઉપરાંત તા. 12/07/2025 અને 13/07/2025 ના રોજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના જામનગર પ્રવાસ દરમિયાન એરપોર્ટ, ધીરુભાઈ અંબાણી ચેમ્બર ઓફ કોમર્સ અને એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે VVIP ડયુટી સોંપવામાં આવી હતી. આ સાથે ત્યાં પીરસવામાં આવનાર ખાદ્ય પદાર્થોના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. ઓનલાઈન ફરિયાદના અન્વયે મુલ્લા મેરી વિસ્તારમાં આવેલ *ન્યુ બહાર પાન હાઉસ*ની તપાસ કરીને હાઇજીન અંગે નોટિસ આપવામાં આવી અને પાન તથા કાચાના 2 નમૂના વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા.

 

ફૂડ સેફ્ટી વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ ગરમ ખાદ્ય પદાર્થો પ્રિન્ટેડ પસ્તી કે અખબારમાં લેવાનું ટાળે. જો કોઈપણ જગ્યાએ વાસી, એક્સપાયરી અથવા બિનઆરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ થતું જણાય તો તાત્કાલિક મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગનો સંપર્ક કરે.

(2:02 PM IST)