<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

મહુવા નગરપાલિકા ચૂંટણી: સવારે 11:00 વાગ્યા સુધીમાં 18.75% મતદાન, 73,942 મતદારોમાંથી 13,863 મતદારોએ નિભાવી ફરજ

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ, સવારથી મતદાન મથકો પર મતદારોની કતારો; બપોર બાદ મતદાનની ટકાવારી વધવાની આશા

(રહીમ વસાયા દ્વારા)મહુવા તા.૨૬ :મહુવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત મહુવા નગરપાલિકાની ચૂંટણીમાં રવિવારે સવારે 11:00 વાગ્યા સુધીમાં 18.75% મતદાન નોંધાયું છે.

ચૂંટણી તંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ, મહુવા નગરપાલિકા વિસ્તારમાં કુલ 73,942 મતદારો નોંધાયેલા છે. સવારે 7:00 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં 11:00 વાગ્યા સુધીમાં કુલ 13,863 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

શહેરના તમામ મતદાન મથકો પર સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. સવારના સમયે વરિષ્ઠ નાગરિકો અને મહિલા મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા હતા. ગરમી વધતાં પહેલાં મતદાન કરવાના આશયથી મતદારોએ સવારના સમયનો લાભ લીધો હતો.

મહુવા શહેરના તમામ વોર્ડમાં પોલીસ અને ચૂંટણી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ક્યાંયથી કોઈ અનિચ્છનીય બનાવના અહેવાલ નથી. ઉમેદવારો અને રાજકીય આગેવાનો પણ મતદાન મથકોની મુલાકાત લઈ રહ્યા છે.

સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. બપોર બાદ અને સાંજના સમયે મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. 

(2:23 PM IST)