તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Monday, 27th July 2026
મોરબી-રાજકોટ હાઇવેના ખાડાનું ૪૮ કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું અલ્ટિમેટમ
કલેકટરને પત્ર પાઠવીને કહયું કે, શાળા, કોલેજો, હોસ્પીટલનું સરપ્રાઇઝ નીરીક્ષણ કરો છો, તો કયારેક આ રોડનું નિરીક્ષણ કરો...

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૨૭ : ગુજરાત સરકાર દરરોજ સુશાસનની વાત કરે છે. પરંતુ રાજકોટ-મોરબી સ્ટેટ હાઇવે છેલ્લા ૧૦ વર્ષથી બનાવવામાં આવી રહ્યો છે જેનું કામ પૂરું થયું નથી ત્યાં ખાડા પડવા લાગ્યા છે અને કેટલીક જગ્યાએ તો મોતનો ખાડો હોય તેવા મોટા મોટા ખાડા પડી ગયા છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, કોંગ્રેસ અગ્રણી અને ખેડૂતનેતા મહેશ રાજકોટિયાએ કલેક્ટરને ખુલ્લો પત્ર લખ્યો છે અને કહ્યું છે કે, શાળાઓ, હોસ્પિટલો, જેલ, સરકારી કચેરીઓમાં સરપ્રાઈઝ નિરીક્ષણ કરો છો તો કયારેક રાજકોટ મોરબી રોડનું પણ સરપ્રાઈઝ નિરીક્ષણ કરવાની જરૂર છે.
હાલમાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, કોંગ્રેસ અગ્રણી અને ખેડૂત નેતા મહેશ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, પંચાસર ચોકડીથી સનાળા, લજાઈ અને ટંકારા પાસેથી રાજકોટ-મોરબીનો મોર્ડન હાઇવે પસાર થાય છે તેમાં ઠેરઠેર ખાડા પડી ગયા છે. જે ગમે ત્યારે નિર્દોષ વાહન ચાલક માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ રોડ બનાવવા માટેનું કામ એક કે બે વર્ષથી નહીં પરંતુ ૧૦ વર્ષથી કરવામાં આવી રહ્યું છે છતાં કામ પૂર્ણ થયું નથી અને જયારે ચોમાસુ આવે ત્યારે રોડ ઉપર થીગડા મારવામાં આવે છે. અને છેલ્લા એક વર્ષથી તંત્ર એક જ જવાબ આપે છે કે, રાજકોટથી મોરબી રિસરફેસિંગની મંજૂરી મળી ગઈ છે. તો પછી કામ કરવામાં આવતું નથી ? શું માત્ર ફાઈલોમાં જ કામ કરવાનું છે?
વધુમાં મહેશ રાજકોટિયાએ આક્રોશ સાથે જણાવ્યુ હતું કે, ફાઈલોમાં રાચતા અધિકારીઓ, હવે હદ વટાવી ચૂકયા છે જો ૪૮ કલાકમાં આ રોડની મરામત કરવા માટેનો જરૂરી આદેશ નહીં આપવામાં આવે તો અધિકારીઓની નજરમાં લોકોના જીવની કોઈ કિંમત નથી તે સાબિત થઈ જશે. અને રોડના ખાડાના કારણે કોઈનું મળત્યુ થશે તો જિલ્લા વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે બેદરકારીથી મળત્યુનો ગુન્હો દાખલ કરવવામાં આવશે. ત્યારે તંત્રને અલ્ટિમેટમ આપતા કહ્યું હતું કે, આગામી ૪૮ કલાકમાં રોડનું કલેકટર સ્થળ નિરીક્ષણ કરી મરામત માટેનો આદેશ કરે, ૧૫ દિવસમાં હાઇવેના રી-સર્ફેસિંગનું કામ શરૂ કરવામાં આવે અને ૧૦ વર્ષની બેદરકારી માટે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
