News of Friday, 30th October 2026
મોરબીના મહેન્દ્રનગરમાં પાણીના પ્રશ્ને સ્થાનિકોએ ચક્કાજામ કરી હાઈવે બ્લોક કર્યો.
છેલ્લા 6 થી 7 મહિનાથી સોમનાથ સોસાયટીમાં પાણી ન આવતું હોવાથી રોષે ભરાયેલી મહિલાઓ અને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સોમનાથ સોસાયટીના રહીશો 6-7 મહિનાથી પીવાના પાણીથી વંચિત હોવાથી રોષ ભભૂકી ઉઠ્યો, સવારના પીક અવર્સમાં ટ્રાફિક જામ થતા વાહનચાલકો અટવાયા
મોરબીના મહેન્દ્રનગર ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે. છેલ્લા 6 થી 7 મહિનાથી સોમનાથ સોસાયટીમાં પાણી ન આવતું હોવાથી રોષે ભરાયેલી મહિલાઓ અને સ્થાનિકોએ આજે સવારે રસ્તા પર ઉતરી આવીને ચક્કાજામ કર્યો હતો. મહેન્દ્રનગર ચોકડી પાસે સ્થાનિકોએ રસ્તો રોકી દેતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેન્દ્રનગર ગામની સોમનાથ સોસાયટીના રહેવાસીઓ લાંબા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોની ફરિયાદ છે કે છેલ્લા છ-સાત મહિનાથી સોસાયટીમાં પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી, અને કેટલાક વિસ્તારોમાં તો પાણી બિલકુલ આવતું જ નથી. આ ગંભીર સમસ્યા અંગે અગાઉ પણ અનેકવાર મોરબી મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં, તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા અને પાણી પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવતા આખરે સ્થાનિક લોકોની ધીરજ ખૂટી હતી.
આજે સવારે સોમનાથ સોસાયટીની મહિલાઓ અને અન્ય રહેવાસીઓએ ભેગા મળીને મહેન્દ્રનગર ચોકડી પાસે રસ્તો જામ કરી દીધો હતો. નોંધનીય છે કે સવારનો સમય 'પીક અવર્સ' હોવાથી આ માર્ગ પર ભારે ટ્રાફિક રહે છે. સિરામિક ઝોન, જેતપર રોડ અને હળવદ તરફ જતા મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને કામદારો આ માર્ગનો ઉપયોગ કરે છે. ચક્કાજામના પગલે મહેન્દ્રનગર ચોકડીની ચારેય તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
રોષે ભરાયેલા સ્થાનિકોએ જ્યાં સુધી પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. પાણી જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં તંત્રની નિષ્ફળતા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
