તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Saturday, 17th October 2026
સસ્તા સોનાની લાલચે મહારાષ્ટ્રના યુવક સાથે ₹૧૨.૧૬ લાખની ઠગાઈ: ફેસબુક પર 'રાજીવ જોશી' બનેલા આફતાબ સહિત ભુજના ૫ શખ્સો સામે FIR
ફેસબુક પર ફેક આઈડી બનાવી સસ્તા સોનાના બિસ્કિટ આપવાની આપી હતી લાલચ; ₹૧૩.૮૪ લાખ પડાવ્યા બાદ સોનું કે નાણાં પરત ન આપતાં ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ

ભુજ : સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આકર્ષીને છેતરપિંડી આચરતી સાયબર ગેંગો બેકાબૂ બની છે, ત્યારે મહારાષ્ટ્રના એક યુવકને બજારભાવ કરતાં તદ્દન સસ્તા દરે સોનાના બિસ્કિટ આપવાની જાળમાં ફસાવી ₹૧૨,૧૬,૯૫૩ની માતબર રકમની ઠગાઈ કરવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર કૌભાંડ આચરવા બદલ ભુજના પાંચ શખ્સો વિરુદ્ધ ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના કાંદીવલી વિસ્તારમાં રહેતા ફરિયાદી જય રીપેશભાઈ વ્યાસ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, આરોપીઓએ ફેસબુક પર હિન્દુ નામો ધરાવતી બોગસ પ્રોફાઈલ બનાવીને સસ્તા સોનાના બિસ્કિટ વેચાણ માટેની આકર્ષક પોસ્ટ મૂકી હતી. સોશિયલ મીડિયાની આ પોસ્ટ જોઈને લલચાયેલા ફરિયાદી ઠગ ટોળકીના સંપર્કમાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગુનામાં મુખ્ય આરોપી આફતાબ અનવર સોઢાએ ‘રાજીવ જોશી’ નામે ફેસબુક આઈડી બનાવી હતી. આ સિવાય અન્ય આરોપીઓમાં મુસ્તાક ઇસ્માઇલ ફકીર (જેણે નીતીન પટેલ નામ ધારણ કર્યું હતું), અશરફ અહમદ વર્યા (જેણે નિકુંજ પટેલ નામ ધારણ કર્યું હતું), જાવેદ મામદ સમા અને ફિરોજ બાબુ શેખ (તમામ રહે. ભુજ) નો સમાવેશ થાય છે.
આરોપીઓએ ફરિયાદી જય વ્યાસને પોતાના વિશ્વાસમાં લઈને સસ્તા દરે સોનાના ચાર બિસ્કિટ આપવાની ખાતરી આપી હતી. તેમની વાતોમાં આવી જઈને ફરિયાદીએ ટુકડે-ટુકડે ઓનલાઈન તથા અન્ય માધ્યમો દ્વારા કુલ ₹૧૩,૮૪,૯૫૩ ની ચૂકવણી કરી દીધી હતી. પરંતુ નાણાં મેળવી લીધા બાદ પણ લાંબો સમય વીતી જવા છતાં સોનાના બિસ્કિટનો ડિલિવરી આપી નહોતી.
છેતરપિંડીનો અહેસાસ થતાં ફરિયાદીએ પોતાના નાણાં પરત માંગવાનું શરૂ કર્યું હતું. વારંવારની ઉઘરાણી અને દબાણ બાદ આરોપીઓએ માત્ર ₹૧,૬૮,૦૦૦ પરત આપ્યા હતા, જ્યારે બાકી નીકળતા ₹૧૨,૧૬,૯૫૩ હડપ કરી લઈને સોનું કે નાણાં આપવાનું ટાળી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
આખરે ભોગ બનનાર યુવકે ભુજ પહોંચી પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની અરજી અને પુરાવાઓના આધારે ભુજ એ-ડિવિઝન પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
