<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જામનગરમાં પૂનમબેન માડમ, રિવાબા જાડેજા અને બીનાબેન કોઠારીની ત્રિપુટીનો જાદુ : મહાનગરપાલિકાના ૧૬માંથી ૧૫ વોર્ડમાં ભાજપનો ઐતિહાસિક ક્લીન સ્વીપ! : જુઓ વિડીયો

નારી શક્તિના ત્રિવેણી સંગમ સામે વિપક્ષોના સૂપડા સાફ : હરિયા કોલેજ ખાતે વિજયી ગર્જના સાથે સાંસદ પૂનમબેન અને મંત્રી રિવાબા ભાવુક થઈ એકબીજાને ભેટી પડ્યા

 મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, તા. ૨૮:   જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ અકલ્પનીય વિજય મેળવીને સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. શહેરમાં ભાજપનો પ્રચંડ દબદબો જોવા મળ્યો છે, જેમાં કુલ ૧૬ વોર્ડમાંથી ૧૫ વોર્ડમાં ભાજપે સળંગ વિજય મેળવી ક્લીન સ્વીપ નોંધાવ્યો છે. આ ઐતિહાસિક જીત પાછળ જામનગરની ‘ત્રણ નારી શક્તિ’નું પ્રભુત્વ નિર્ણાયક સાબિત થયું છે.

 

આ ચૂંટણીમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા અને શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારીની વ્યૂહરચના અને પ્રચંડ પ્રચારે ભાજપને એકતરફી જીત અપાવી છે. આ ત્રણેય મહિલા નેતાઓના નેતૃત્વમાં ભાજપે વિપક્ષોને જામનગરમાંથી લગભગ ફેંકી દીધા છે. રાજકીય વિશ્લેષકો આ પરિણામને "ત્રણ નારી, સમગ્ર વિપક્ષ પર ભારી" તરીકે જોઈ રહ્યા છે. શહેરના માત્ર એક લઘુમતી પ્રભુત્વ ધરાવતા વોર્ડ નંબર ૧૨ને બાદ કરતાં તમામ વિસ્તારોમાં ભાજપે પ્રભુત્વ સ્થાપિત કર્યું છે. વોર્ડ ૧૨માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને બે-બે બેઠકો મળી છે.

 

મતગણતરી કેન્દ્ર હરિયા કોલેજ ખાતે આજે સવારથી જ ઉત્તેજનાનો માહોલ હતો. જેમ જેમ ભાજપની જીતના સમાચાર આવતા ગયા તેમ તેમ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરિણામો જાહેર થતા જ સાંસદ પૂનમબેન માડમ અને મંત્રી રિવાબા જાડેજા ગદગદિત થઈ એકબીજાને ભેટી પડ્યા હતા અને જીતની વધામણી આપી હતી. આ સમયે મતગણતરી સ્થળ "ફૂલ નહીં ચિનગારી હૈ, હમ ભારત કી નારી હૈ", "જય શ્રી રામ" અને "ભારત માતા કી જય" ના ગર્જતા નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. હાજર રહેલા કાર્યકરોએ પૂનમબેન માડમ, રિવાબા જાડેજા અને બીનાબેન કોઠારીને ફૂલહારથી વધાવી લીધા હતા. આ ઐતિહાસિક જીતથી જામનગર શહેરના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

(6:10 PM IST)