તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
કચ્છના આડેસરમાં પ્રેમીએ જ પરિણીત પ્રેમિકાની કરી હત્યા
હાઈવે પર મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો : યુપીથી ભગાડી લાવ્યા બાદ હત્યા કરી કચ્છમાં લાશ ફેંકી હોવાની પોલીસ તપાસમાં ખુલી વિગતો, સોશ્યલ મીડિયા દ્વારા લાશની ઓળખ થયા બાદ હત્યાનો ભેદ ખુલ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : કચ્છના રાપર તાલુકાના આડેસર હાઈવે પરથી ગત ૮ સપ્ટેમ્બરે મળી આવેલી અજાણી મહિલાની ક્ષત-વિક્ષત લાશના કેસમાં મોટો ખુલાસો થયો છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદની પૂજા નામની મહિલાની ઓળખ DNA ટેસ્ટ દ્વારા થઈ હતી. મૃતદેહને ઓળખ માટે ૨૭ દિવસ સુધી જામનગરના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. મૃતકના પ્રથમ પતિ લક્ષ્મણ નાઈએ શિકોહાબાદમાં નોંધાવેલી ગુમ થયાની ફરિયાદના આધારે DNA સેમ્પલ મેચ થતાં ઓળખ સ્પષ્ટ થઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ, પરિણીત પૂજા બે બાળકોને છોડીને પાડોશમાં રહેતા ડ્રાઈવર પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને તે પાંચ મહિનાની ગર્ભવતી હતી. આરોપીએ તેની હત્યા કર્યા બાદ ઓળખ છુપાવવાના ઇરાદે ઉત્તર પ્રદેશથી રાજસ્થાન થઈ કચ્છના આડેસર હાઈવે નજીક લાશ ફેંકી દીધી હોવાની વિગતો સામે આવી છે. મૃતકના હાથ પર ‘લક્ષ્મણ એન્ડ પૂજા’ તથા ‘PP’નાં ટેટૂ હતાં. જે સોશ્યલ મીડિયા દ્વારા લાશને ઓળખવામાં મદદરૂપ બન્યા. બાદમાં DNA સેમ્પલ મેચ થયા. હાલ આડેસર પોલીસે પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
