તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
રાજ્ય કક્ષાની વુશુ સ્પર્ધામાં લોકશાળા મણારની વિદ્યાર્થીની સિદ્ધિ લાંબરિયાએ પ્રથમ સ્થાન મેળવી બાજી મારી
તળાજા તાલુકા અને ભાવનગર ગ્રામ્ય જિલ્લાનું ગૌરવ વધારતી વિદ્યાર્થીની હવે જમ્મુ-શ્રીનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું કરશે પ્રતિનિધિત્વ

તળાજા: શાળાકીય રમતોત્સવ ૨૦૨૬ અંતર્ગત આણંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આણંદ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની અંડર-૧૭ બહેનોની વુશુ સ્પર્ધામાં તળાજા તાલુકાના મણાર સ્થિત ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાની વિદ્યાર્થીની લાંબરિયા સિદ્ધિ રાજુભાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ઝળહળતી સિદ્ધિ હાસિલ કરી છે. ભાવનગર ગ્રામ્યની ટીમ તરફથી રમતા સિદ્ધિએ પોતાની ઉત્કૃષ્ટ રમત, અથાક મહેનત અને કટિબદ્ધતાના બળે પ્રથમ સ્થાન મેળવી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
વિદ્યાર્થીનીની આ પ્રેરણાદાયી સિદ્ધિ બદલ શાળાના આચાર્ય ડાહ્યાભાઈ ડાંગર, કોચ સુનીલભાઈ ખાવડુ, નિયામક મેહુલભાઈ ભટ્ટ તેમજ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને તેને ઉષ્માભેર અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ હવે સિદ્ધિ લાંબરિયા આગામી તારીખ ૧૨ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન જમ્મુ-શ્રીનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની વુશુ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જશે. શાળા પરિવાર અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા સિદ્ધિ રાષ્ટ્રીય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાત અને ભાવનગર ગ્રામ્ય જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
