News of Friday, 17th April 2026
મોરબીના વાવડી રોડ પર ક્રિષ્ના પાર્કમાં ઉભરાતી ગટરથી ત્રસ્ત સ્થાનિકોએ મહાપાલિકામાં રજુઆત કરી.
ઘરોમાં શૌચાલય સુધી ગટરના પાણી ફરી વળતા રહીશો ત્રસ્ત, ડેપ્યુટી કમિશનર ટીમ મોકલી કાર્યવાહી કરવાની ખાતરી આપી.

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક (KGN પાર્ક) ખાતે છેલ્લા 7 થી 8 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો ભારે પરેશાન છે. આ વિસ્તારમાં 30 થી 40 ઘરોની શેરીમાં ભૂગર્ભ ગટરનું પાણી એટલી હદે ઉભરાઈ રહ્યું છે કે લોકોના ઘરના શૌચાલયમાં પણ ગટરના ગંદા પાણી ભરાવા લાગ્યા છે, જેના કારણે રહીશોનું જીવવું દુષ્કર બની ગયું છે.
આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકામાં અગાઉ 2 થી 3 વખત રજૂઆત કરવામાં આવી હતી. ગઈકાલે પણ રજૂઆત કરતા સવાર સુધીમાં કામ થઈ જશે તેવો મહાપાલિકા તંત્ર દ્વારા જવાબ મળ્યો હતો. તેમ છતાં સવાર સુધી કોઈ કામગીરી ન થતા આજે સ્થાનિક લોકો કંટાળીને મહાપાલિકા કચેરીએ દોડી ગયા હતા. ત્યાં હાજર અધિકારીઓ દ્વારા "અત્યારે JCB નથી, આવશે ત્યારે કામ થશે" તેવા ઉડાવ જવાબો આપવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ અડધો કલાક સુધી કચેરીએ રોકાઈને ઉગ્ર રજૂઆત કરી હતી.
અંતે, સ્થાનિકોએ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કુલદીપસિંહ વાળા સમક્ષ આ બાબતે રજૂઆત કરી હતી. તેઓએ લોકોની સમસ્યા શાંતિથી સાંભળી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ પ્રશ્નનું સત્વરે નિરાકરણ લાવવા માટે તેઓએ તાત્કાલિક એક ટીમને ઘટનાસ્થળે મોકલી આપી હતી અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
સ્થાનિક સબીરભાઈના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા 6 દિવસથી અહી રજૂઆત કરવા માટે આવે છે. તેઓ જ્યારે પણ આવે ત્યારે તેમને એવો જ જવાબ મળે છે કે હાલ JCB કે વાહન હાજર નથી, આજે થશે કે કાલે થશે તેવા જવાબો અપાય છે. શેરીમાં ગટર ભરાઈ ગઈ હોવાથી તેઓ રજૂઆત ક૨વા આવ્યા છે. સ્થાનિક મુનીબેનના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં પાણીનો ગંભીર પ્રોબ્લેમ છે અને બાથરૂમનું પાણી ક્યાંય જતું નથી. ગટરો ઉભરાઈને પાણી ઘરમાં પ્રવેશી રહ્યા છે. તેઓ ગઈકાલે પણ રજૂઆત માટે આવ્યા હતા પરંતુ કોઈ કામ થયું નથી.
છેલ્લા 5-6 દિવસથી આ સમસ્યા વધારે છે અને તેઓએ 3 વખત કોલ પણ કર્યા છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
