<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

કેશોદમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍ય ચૂંટણી પર્વોત્‍સવની પૂર્ણાહુતિઃ ભાજપ માટે પ્રતિષ્ઠાનો, કોંગ્રેસ માટે ગતિને પ્રગતિમાં ફેરવવાનો, આપ માટે ‘એકડો ઘૂંટવાનો'જંગ! બની રહયો

ગત ટર્મમાં પાલિકા તથા પંચાયતોની સંસ્‍થાઓમાં ભાજપનું બહુમતી સાથે તથા કોંગ્રેસનું વિરોધ પક્ષ તરીકે અસ્‍તિત્‍વ હતું ત્‍યારે

(સંજય દેવાણી દ્વારા)કેશોદ, તા. ૨૮: છેલ્લા લગભગ એકાદ મહિનાથી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી ના પડધમ વાજા વાગી રહ્યા હતા. પ્રવર્તમાન ચૂંટણી લોકો માટે રોચક તથા ચૂંટણીના રસિકો માટે ચર્ચાનો વિષય બનેલ હતો. જે ગત રવિવારે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા આજે મંગળવારના રોજ ચૂંટણી પરિણામો જાહેર થતા ની સાથે જ મજબૂત લોકશાહીના ઉત્‍સવ સમી સ્‍થાનિક સ્‍વરાજ્‍ય ના પર્વોત્‍સવ ની પુણાહુતિ થઇ છે.

જોકે એ પૂર્વે જ મતદાનની ટકાવારી, પરિણામો ના આંકડા ને ધ્‍યાને લઈ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ની હાજરીના કારણે કઈ પાર્ટીને કે કયાં ઉમેદવારને શું અસર જોવા મળી તે તરફ લોકોની મીટ મંડાયેલી હતી.

પ્રવર્તમાન ચૂંટણીમાં ભાજપ ને કોંગ્રેસનો ભય, કોંગ્રેસને આમ આદમી પાર્ટીનો ભય અને આમ આદમી પાર્ટીને ભાજપ, કોંગ્રેસ બંનેનો ભય સતાવી રહેલ છે.ત્‍યારે ભાજપ માટે પ્રતિષ્ઠાનો કોંગ્રેસ માટે પોતાની રાજકીય ગતિ વિધિ ને પ્રગતિમાં ફેરવવાનો તથા આમ આદમી પાર્ટી માટે એકડો ઘૂંટવાનો જંગ હતો.

અત્રે ભૌગોલિક સીમાંકન  મુજબ ૯ વોર્ડ ધરાવતીસ્‍થાનિક નગરપાલિકાની કુલ ૩૬ બેઠકમાંથી વોર્ડ નંબર ૮ ની એક બેઠક બિનહરીફ જાહેર થયેલ જે બેઠક ભાજપને ફાળે જતા બાકી રહેલ ૩૫ બેઠક, ૫૩ ગામડાઓનું પ્રતિનિધિત્‍વ કરતી કેશોદ તાલુકા પંચાયત ની ૧૮ બેઠક, કેશોદ ધારાસભા મતવિસ્‍તાર સાથે સંબંધ ધરાવતી જુનાગઢ જિલ્લા પંચાયતની અગતરાય, અજાબ, બાલાગામ તથા મેસવાણ મળી ૪ બેઠકો ની ચૂંટણી યોજાયેલ.

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત સૌપ્રથમ વખત આમ આદમી પાર્ટી એ પણ કેટલીક અપવાદરૂપ બેઠકો બાદ કરતા મોટા ભાગની બેઠકો પર થી ઉમેદવારી નોંધાવેલ હતી.

સામાન્‍ય રીતે પંચાયત થી માંડી પાર્લામેન્‍ટ સુધીની ભૂતકાળ થી લઈ અત્‍યાર સુધીની તમામ ચૂંટણીઓ માં મુખ્‍યત્‍વે ભાજપ અને કોંગ્રેસ મુખ્‍ય હરીફ તરીકે અમને સામને જોવા મળેલ . પ્રવર્તમાન ચૂંટણીમાં પણ ભાજપ તથા કોંગ્રેસ વચ્‍ચે ચાલતા તૂતૂ... મેંમેં... ની લડતમાં આમ આદમી પાર્ટીએ પણ ભાગીદારી નોંધાવેલ. ભાજપ, કોંગ્રેસ ની સાથે આમ આદમી પાર્ટી એ પણ થોડા મોટા કદ સાથે આ ચૂંટણીમાં ઝંપલાવતા ત્રિપાંખીયો જંગ સર્જાયેલ હતો.

જુનાગઢ જિલ્લામાં કેશોદ મતવિસ્‍તાર ભાજપનો ગઢ ગણવામાં આવે છે. કેટલાક અપવાદો બાદ કરતા છેલ્લા અઢી દસ કા ના ઇતિહાસ માં ગ્રામ પંચાયત થી લઇ કેશોદ તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકા, કેશોદ, જિલ્લા પંચાયત, ધારાસભા, લોકસભા ભાજપના કબજામાં જોવા મળેલ છે. તો બીજી તરફ સ્‍થાનિક કોંગ્રેસ પણ તંદુરત રીતે ટક્કર આપી રહેલ છે. સૌથી જૂની રાજકીય સંસ્‍થા મનાતી કોંગ્રેસને અહીં અનેક વખત સમયની થપાટ લાગેલ છે. આમ છતાં પંચાયત થી પાર્લામેન્‍ટ સુધીની તમામ ચૂંટણીઓમાં મુખ્‍ય હરીફ ના રૂપમાં ભાજપની સામે પડકારરૂપ ભૂમિકા ભજવે છે . ભૂતકાળમાં ઘણા સમય સુધી કોંગ્રેસ મૂર્છિત અવસ્‍થામાં જણાઈ રહેલ હતી. એ સ્‍થિતિ વચ્‍ચે વિઠ્ઠલભાઈ રાદડિયા ના કોંગ્રેસમાં આગમન બાદ જાગળત થયેલ કોંગ્રેસ સ્‍ફૂર્તિ સાથે દોડતી જોવા મળેલ હતી. પરંતુ બાદમાં વિઠ્ઠલભાઈ ની ભાજપ મા વાપસી બાદ કોંગ્રેસની સ્‍થિતિ પુનઃ નિષ્‍ક્રિય બની ગયેલ હતી . આ દરમિયાન કોંગ્રેસના પીઢ અગ્રણી હીરાભાઈ જોટવા ની અત્રે એન્‍ટ્રી થતાં તેઓએ પ્રવર્તમાન સ્‍થિતિ ને ધ્‍યાને લઈ સ્‍થાનિક કોંગ્રેસને બેઠી કરવા જરૂરી દોર પોતાના હાથમાં લઇ કોંગ્રેસના અગ્રણીઓ -કાર્યકરો ઉપરાંત જાહેર જનતા સાથે સંપર્કમાં રહી કોંગ્રેસને ફરી એક વખત સક્રિય બનાવેલ છે . હીરાભાઈ જોટવા ના પ્રયાસો ના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસનુ સંગઠન મજબૂત જણાઈ રહેલ છે. પ્રવર્તમાન ચૂંટણી અત્રે તેમના માર્ગદર્શન તથા દેખરેખ હેઠળ કોંગ્રેસે ચૂંટણી લડેલ હતી.

 બંને મુખ્‍ય હરીફ પક્ષો કોંગ્રેસ અને ભાજપ જ્‍યારથી અસ્‍તિત્‍વમાં આવ્‍યા ત્‍યારથી અત્‍યાર સુધીની લગભગ તમામ ચૂંટણીઓ માં અન્‍ય પક્ષો તથા અપક્ષના અસ્‍તિત્‍વ વચ્‍ચે પણ એક બીજાને મુખ્‍ય હરીફ તરીકે ટક્કર આપી રહેલ છે. જેની સરખામણીમાં હજુ નજીકના ભૂતકાળમાં જ રાજકીય ક્ષેત્રે આ વિસ્‍તારમાં પગરવ કરનાર આમ આદમી પાર્ટી નવોદિત છે. રાજકીય ભાષામાં એક કહેવત છે કે દુશ્‍મન ભલે ગમે એટલો કમજોર હોય તો પણ તેને કમજોર ન ગણાય.આમ આદમી પાર્ટી આ વિસ્‍તાર માટે નવોદિત ભલે હોય તો પણ આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ માટે ખતરા રૂપ ચોક્કસ જણાઈ રહેલ છે. ચૂંટણીમાં કે બેઠકો મેળવવામાં તેમને સફળતા મળે કે ન મળે તે વાત અલગ છે પરંતુ આમ આદમી પાર્ટીની હાજરીથી રાજનીતિમાં માહીર, અનુભવી અને પીઢ ગણાતા આ બંને મુખ્‍ય હરીફ પક્ષોને નફો અથવા નુકસાન જરૂર કરાવી શકે. જેની અસર પ્રવર્તમાન ચૂંટણીના પરિણામો તથા હાર - જીતની સરસાઈ પરથી જણાશે.

દરમિયાન પ્રવર્તમાન સંસ્‍થાઓની ચૂંટણીઓ સાથે ભાજપ અને કોંગ્રેસ સંબંધો ધરાવે છે ત્‍યાં સુધી નજીકના ભૂતકાળ ની વાત કરીએ તો ગત ટર્મ માં પાલિકા તથા પંચાયતો ની સંસ્‍થાઓ મા ભાજપ બહુમતી સાથે તથા કોંગ્રેસ નુ વિરોધ પક્ષ તરીકે અસ્‍તિત્‍વ હતું . ત્‍યારે આ સ્‍થિતિ વચ્‍ચે પ્રવર્તમાન ચૂંટણી ભાજપ માટે સ્‍વભાવિક રીતે જ પ્રતિષ્ઠાનો જંગ બને છે જ્‍યારે કોંગ્રેસ માટે પોતાની ગતિને પ્રગતિમાં ફેરવવાનો અવસર મળેલ છે. બીજી તરફ આમ આદમી પાર્ટી અહીં નવી હોઈ, હજુ એકડો ધુંટી રહી છે ! ભૂતકાળમાં અત્રે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની એક પણ સંસ્‍થા સાથે જોડાયેલ નથી ત્‍યારે તેમણે કાંઈ ગુમાવવા જેવું નથી. જેથી જાણકારો હાલ તો આપ માટે તો ‘‘જેટલો વકરો એટલો નફો ! '' જેવી સ્‍થિતિ હાલ આપની હોવાનુંગણાવી રહેલ છે.

(12:23 PM IST)