News of Wednesday, 1st July 2026
ધ્રાંગધ્રાના સોલડી ટોલનાકા પાસે ટ્રકમાંથી ૧૩.૩૪ લાખનો દારૂ પકડાયોઃ રાજકોટ રેન્જની ટીમનો દરોડો
કારપેટ રોલમાં દારૂ છૂપાવ્યો'તોઃ વિદેશી દારૂ અને બિયરની બોટલ નંગ ૯૭૯ર તથા ટ્રક સહિત ર૮.૧૪ લાખના મુદામાલ સાથે બેની ધરપકડ : તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો અને બીજી તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો (નીચે બેઠેલ) સાથે રેન્જની ટીમ નજરે પડે છે.

રાજકોટ તા. ૧ :.. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના સોલડી ટોલનાકા પાસે રાજકોટ રેન્જની ટીમે વોચ ગોઠવી ટ્રકમાં કારપેટના રોલમાં છૂપાવેલ ૧૩.૩૪ લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ દ્વારા ગેરકાયદેસર પ્રોહિબીશન તથા જુગારની પ્રવળતિ કરનારા ઇસમોને શોધી કાઢી કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી ટેકનીકલ એનાલીસીસ, વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા. તે દરમિયાન પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદિપસિહ ઝાલા, ફતેસંગ પરમાર, કાસમભાઇ બ્લોચ, ડ્રા.ધર્મેન્દ્રસિહ જાડેજા નાઓ સુરેન્દ્રનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
અને ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસે પહોંચતા હકિકત મળેલ કે ટ્રક નં.એચઆર-૬૭-એ-૮૯૬૪ નો ડ્રાઇવર ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નિકળેલ છે જે હકિકત વાળો ટ્રક પસાર થતા તેને રોકી ચેક કરતા કારપેટના રોલની આડમાં સંતાડેલ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની બોટલો તથા બીયરના ટીન મળી કુલ નંગ ૯,૭૯૨ કુલ કિ. રૂ.૧૩,૩૪,૭૨૪/- ની મળી આવતા આરોપી (૧) ડ્રાઇવર સંદિપકુમાર વિનોદકુમાર શાહુ રહે.ભોજાસર તા.ભાદરા જી.હનુમાનગઢ રાજસ્થાન (૨) ડ્રાઇવર/કલીનર રણવીરસિંગ મહેન્દ્રસિંગ ઘાયલ રહે.ચીડીયાગાંધી, તા.ભાદરા જી.હનુમાનગઢ રાજસ્થાનની અટકાયત કરી હતી.
રેન્જની ટીમે ટ્રક, ઇંગલીશ દારૂ, મોબાઇલ ફોન તથા કારપેટ રોલ મળી કુલ રૂ.૨૮,૧૪,૯૯૪/- નો મુદ્દામાલ કબ્જે કરી ઉપરોકત બંન્ને આરોપીઓ તથા (૩) ટ્રક સોંપનાર મહેશ રહે. ભટ્ટ તા.જી.ફતેહાબાદ હરીયાણા (૪) ઇંગ્લીશ દારુનો જથ્થો મંગાવનાર (૫) ટ્રક રજી. નં- એચઆર-૬૭-એ-૮૯૬૪ ના માલિક તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ ધાંગધ્રા તાલુકા પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરાવેલ છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
