<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

રમકડાંની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશઃ સાયલા-લીંબડી હાઈવે પર SMCનો સપાટો, દારૂની ૮૦૦ પેટી જપ્ત

બલદાણા પાટીયા પાસે કન્‍ટેનરમાંથી રમકડાંની આડમાં લવાતો વિદેશી દારૂનો જંગી જથ્‍થો ઝડપાયો, સ્‍થાનિક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર SMCએ પાડયો દરોડો

 

 

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૭: સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલા-લીંબડી નેશનલ હાઈવે પર સ્‍ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે એક મોટી અને સફળ કાર્યવાહી કરીને પરપ્રાંતિય દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, SMC ના પી.આઇ.ડી. એચ. રાઠોડ અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક કન્‍ટેનરમાં રમકડાંની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. આ ચોક્કસ બાતમીના આધારે SMC ટીમે બલદાણા ગામના પાટીયા નજીક વોચ ગોઠવી હતી અને હાઈવે પરથી પસાર થઈ રહેલા શંકાસ્‍પદ કન્‍ટેનર ટ્રકને અટકાવી તલાશી લીધી હતી.

પોલીસે જ્‍યારે કન્‍ટેનર ખોલીને તપાસ કરી ત્‍યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્‍યા હતા. કન્‍ટેનરમાં ઉપરના ભાગે રમકડાંનો જથ્‍થો વ્‍યવસ્‍થિત રીતે ગોઠવવામાં આવ્‍યો હતો, પરંતુ તેની પાછળ અને નીચેના ભાગે વિદેશી દારૂની મોટી ખેપ છુપાવવામાં આવી હતી.

ગાંધીનગર SMCની ટીમે સ્‍થાનિક વઢવાણ પોલીસ સ્‍ટેશનની ટીમને સંપૂર્ણપણે અંધારામાં રાખીને આ ઓપરેશન પાર પાડ્‍યું હતું. SMC ની આ સરપ્રાઈઝ રેડને કારણે સ્‍થાનિક પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્‍થાનિક પોલીસના નાક નીચેથી જંગી માત્રામાં દારૂ ઘૂસી જતાં વઢવાણ પોલીસની ભૂમિકા સામે શંકાની સોય ચીંધાઈ રહી છે.

દરોડા દરમિયાન SMCની ટીમે કન્‍ટેનર ટ્રકમાંથી અંદાજે ૮૦૦ જેટલી દારૂની પેટીઓ જપ્ત કરી હતી. દારૂનો જથ્‍થો એટલી મોટી માત્રામાં હતો કે SMCની ટીમે તમામ મુદ્દામાલ વઢવાણ પોલીસ સ્‍ટેશને લાવતાં આખું પોલીસ મથક દારૂની પેટીઓથી ભરાઈ ગયું હતું. આ કાર્યવાહીથી સમગ્ર સુરેન્‍દ્રનગર જિલ્લાના બૂટલેગરોમાં ભારે ફફડાટ વ્‍યાપી ગયો છે.આ મામલે SMC એ સ્‍થળ પરથી બે આરોપીઓની અટકાયત કરી છે. કન્‍ટેનર ટ્રક અને દારૂનો જંગી જથ્‍થો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અટકાયત કરાયેલા બંને આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ દારૂનો જથ્‍થો કયાંથી ભરવામાં આવ્‍યો હતો અને સુરેન્‍દ્રનગરમાં કોને સપ્‍લાય કરવાનો હતો તે અંગેના મુખ્‍ય સૂત્રધારોના નામો સામે આવી શકે. ગાંધીનગર SMC ની આ સફળ અને ગુપ્ત કામગીરીથી સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

(11:31 AM IST)