તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
બોટાદમાં પોલીસનો પીછો કરતી દારૂ ભરેલી સ્કોર્પિયો પલટી: નિર્દોષ મહિલાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત*
બુટલેગરે કાર ભગાવતા સર્જાયો અકસ્માત, મહિલા ગંભીર રીતે ઘાયલ; સ્થાનિકોમાં રોષ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

બોટાદ તા.૨૫ : બોટાદ શહેરમાં શનિવારે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોલીસથી બચવા માટે દારૂ ભરીને ભાગી રહેલી એક સ્કોર્પિયો કારે નિર્દોષ મહિલાને અડફેટે લીધી હતી અને બાદમાં કાર પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે.
મળતી માહિતી મુજબ, પોલીસને દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે શહેરના મુખ્ય માર્ગ પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી સ્કોર્પિયોને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બુટલેગરે કાર ન રોકતા પોલીસે તેનો પીછો કર્યો હતો.
પીછો દરમિયાન બુટલેગરે પૂરપાટ ઝડપે કાર ભગાવી હતી. આ દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે રસ્તા પર ચાલી રહેલી એક મહિલાને જોરદાર ટક્કર મારી હતી અને બાદમાં સ્કોર્પિયો પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. સાથે જ સ્કોર્પિયોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. પોલીસે ફરાર થયેલા બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
