<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

ભાવનગર નજીક સવા ત્રણ લાખના દારૂ અને બિયર

ભરેલી કાર સાથે બોટાદ- સાયલા પંથકના બે શખ્‍સો ઝડપાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨: એલ.સી.બી. પી.આઈ. મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ સ્‍ટાફ શિહોર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, વલ્લભીપુર તરફથી એક કાળા કલરની સ્‍કોર્પિયો કાર (જીજે-૨૫-એએ-૨૬૯૭) માં વિદેશી દારૂનો જથ્‍થો ભરી ભાવનગર તરફ લાવવામાં આવી રહ્યો છે અને તેની આગળ સફેદ કલરની વેગનઆર કાર (જીજે-૧૩-સીડી-૪૭૮૪) પાયલોટિંગ કરી રહી છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી બંને કારને આંતરી હતી.

કારની તલાશી લેતા અંદરથી દારૂની ૧૮૦૬ બોટલ અને બીયરના ૩૮૦ ટીન મળી આવ્‍યા હતા. પોલીસે આ ગુનામાં બોટાદના સાકરડી ગામના હરેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ રમકુભાઈ માલા (ઉ.વ.૩૬) અને સુરેન્‍દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામના હિતેશભાઈ બાવકુભાઈ ધાંધલ (ઉ.વ.૨૪) ને રંગેહાથ ઝડપી લીધા હતા. જ્‍યારે આ દારૂના કનેક્‍શનમાં શિહોરના ભોલાભાઈ નામના શખ્‍સનું નામ ખુલતા પોલીસે તેને વોન્‍ટેડ જાહેર કર્યા છે.

ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્‍યું છે. આરોપી હરેશભાઈ માલા વિરુદ્ધ અગાઉ બોટાદ, પાળિયાદ અને બરવાળા પોલીસ સ્‍ટેશનમાં પ્રોહિબિશન તેમજ હત્‍યાના પ્રયાસ  સહિતના કુલ ૫ ગુનાઓ નોંધાઈ ચૂકયા છે. જ્‍યારે આરોપી હિતેશ ધાંધલ વિરુદ્ધ સાયલા પોલીસ મથકમાં ચોરી નો ગુનો નોંધાયેલો છે.

એલ.સી.બી.એ ઘટનાસ્‍થળેથી ઓલ સીઝન, ૮ પી.એમ., સુપર જ્‍યુબિલી, વ્‍હાઈટ લેસ વોડકા અને કિંગફિશર બીયર મળી કુલ રૂ. ૩,૨૫,૫૨૨/- ની કિંમતનો દારૂનો જથ્‍થો, રૂ. ૮૦,૦૦૦/- ની કિંમતના ૩ મોબાઈલ ફોન (રેડમી, આઈફોન અને વિવો), દારૂની હેરફેરમાં વપરાયેલી સ્‍કોર્પિયો કાર (કિં.રૂ. ૫,૦૦,૦૦૦/-) અને પાયલોટિંગ કરતી વેગનઆર કાર (કિં.રૂ. ૨,૦૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૧૧,૦૫,૫૨૨/- નો મુદ્દામાલ કબ્‍જે કરી શિહોર પોલીસ સ્‍ટેશનમાં દાખલ કરાવ્‍યો છે.

આ સફળ કામગીરી પી.આઈ. મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.એ. વાઢેર, પી.ડી. ઝાલા, વી.સી. જાડેજા તેમજ એલ.સી.બી. સ્‍ટાફના કેવલભાઈ સાંગા, હિતેશકુમાર મકવાણા, ઉમેશભાઈ હુંબલ, માનદીપસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ અને જયપાલસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી

(3:57 PM IST)