<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

જાફરાબાદમાં સિંહનો આતંક અને અચાનક રહસ્યમય મોત: પંથકમાં ફફડાટ

વાહનો પાછળ દોડી હુમલો કરનાર સિંહનું ગણતરીની મિનિટોમાં જ શંકાસ્પદ મોત થતા વન વિભાગની ટીમ હરકતમાં આવી.

જાફરાબાદ : અમરેલીના જાફરાબાદ ખાતે બાબરકોટ રોડ પર આજે એક સિંહે બાઇકચાલક અને રિક્ષાની પાછળ દોડી આતંક મચાવ્યો હતો, જેમાં કેટલાક વાહનચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, આ આક્રમક હુમલાની ગણતરીની મિનિટોમાં જ સિંહનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, આ સિંહ રસ્તા પરથી પસાર થઈ રહેલા એક બાઇકચાલકની પાછળ દોડ્યો હતો અને હુમલો કરતા બાઇકચાલકને ઈજાઓ પહોંચી હતી. આટલું જ નહીં, સિંહનો આતંક અહીં જ ન અટક્યો. તેણે એક રિક્ષાની પાછળ દોડીને જોરદાર ટક્કર મારતા રિક્ષા પલ્ટી મારી ગઈ હતી. જેથી લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા.

ઘટનાની ગંભીરતાને જોતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગના અધિકારીઓને આ સિંહમાં હડકવા જેવી બીમારીના લક્ષણો હોવાની શંકા છે, કારણ કે હડકવાગ્રસ્ત પ્રાણી ઘણીવાર અસાધારણ વર્તન કરે છે અને આક્રમક બની જાય છે. હાલમાં, વન વિભાગની ટીમે મૃત સિંહના સેમ્પલ એકત્રિત કર્યા છે અને તેને તપાસ માટે મોકલી આપ્યા છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સિંહના મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

આ રહસ્યમય ઘટનાને પગલે સ્થાનિકોમાં વન્ય પ્રાણીઓના વધતા જતા હુમલાઓ સામે રોષ અને ડર જોવા મળી રહ્યો છે. વન વિભાગ હવે આ વિસ્તારમાં સિંહના મૃત્યુના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. જો આ સિંહને ખરેખર હડકવા હોવાનું સાબિત થશે, તો તે વિસ્તારના અન્ય પ્રાણીઓ અને માનવ વસ્તી માટે ખતરાની ઘંટડી સમાન ગણાશે. આથી વન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સતર્કતા વધારી દેવામાં આવશે.

(2:05 PM IST)