<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

જૂનાગઢના વાઘેશ્વરી માતાજી મંદિર નજીક સિંહ દેખાતા દોડધામ, વન વિભાગે સુરક્ષિત રેસ્ક્યુ કર્યો : જુઓ વિડિયો

વીકએન્ડના કારણે ભવનાથ વિસ્તારમાં યાત્રાળુઓની ભારે અવરજવર વચ્ચે સિંહને જોવા ટોળાં ઉમટ્યાં : વન વિભાગ અને ટ્રેકર્સની ટીમે સમયસર મોરચો સંભાળી લોકોને સુરક્ષિત સ્થળે રોક્યા સિંહની હિલચાલ પર સતત નજર રાખી માનવ વસાહતથી દૂર કુદરતી વિસ્તારમાં ખસેડાયો : તાત્કાલિક અને સંકલિત કામગીરીથી અનિચ્છનીય બનાવ ટળ્યો

જૂનાગઢ :જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી માતાજી મંદિર નજીક ગઈકાલે રાત્રિના સમયે એક સિંહ દેખાતા થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. વીકએન્ડના કારણે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓની અવરજવર હતી. દરમિયાન સિંહ દેખાયો હોવાની જાણ થતાં તેને જોવા માટે લોકોનાં ટોળાં પણ એકત્રિત થઈ ગયાં હતાં. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે તાત્કાલિક તકેદારીના પગલાં લીધા હતા.

 

સિંહ દેખાયો હોવાની માહિતી મળતાં જ જૂનાગઢ વન વિભાગની ટીમ તેમજ તાજેતરમાં નિયુક્ત કરવામાં આવેલા ટ્રેકર્સ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વન વિભાગના કર્મચારીઓએ લોકોને સુરક્ષિત રીતે એક સ્થળે રોકી રાખ્યા હતા અને સિંહની હિલચાલ પર સતત નજર રાખવાનું શરૂ કર્યું હતું.

 

વન વિભાગની ટીમે સાવચેતીપૂર્વક અને સંકલિત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે અવરજવર ધરાવતા વિસ્તારમાંથી સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને માનવ વસાહત તેમજ યાત્રાળુઓની અવરજવરથી દૂર સલામત કુદરતી વિસ્તારમાં ખસેડવામાં આવ્યો હતો.

 

વન વિભાગ અને ટ્રેકર્સની સમયસૂચક કામગીરીને કારણે સમગ્ર ઓપરેશન કોઈ અનિચ્છનીય બનાવ વિના પૂર્ણ થયું હતું. યાત્રાળુઓ અને સ્થાનિક લોકોની સુરક્ષા જાળવવાની સાથે સિંહની સલામતીનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

 

વન વિભાગના જણાવ્યા મુજબ રેસ્ક્યુ કરવામાં આવેલો સિંહ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આમ, સમયસર હાથ ધરવામાં આવેલી કામગીરીને કારણે ગિરનાર-ભવનાથ વિસ્તારમાં માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષની સંભવિત સ્થિતિ ટાળી શકાઈ હતી.

(2:33 PM IST)