તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો-ભારે વરસાદ વરસતા પાકને ફાયદો
મિશ્ર વાતાવરણ યથાવતઃ ચોમાસાની વિદાય વેળા કોરા રહેલા વિસ્તારોમાં વરસાદ પડી ગયો

રાજકોટ, તા. ર૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો-ભારે વરસાદ પડતા પાકને ફાયદો થયો છે અને મિશ્ર વાતાવરણ યથાવત છે.
ચોમાસાની વિદાય વખતે કોરા રહેતા અનેક વિસ્તારોમાં વરસાદ પડી ગયો છે.
વાંસજાળીયા
(રમેશ ઘરસડિયા દ્વારા) વાંસજાળીયા : વાંસજાળીયા માં આજે તા.૨૨ મંગળવારે બપોરે ત્રણ વાગ્યા થી પાંચ વાગ્યા સુધીમાં જોરદાર અઢી ઇંચ જેટલો વરસાદ થયો છે.ભારે ગાજવીજ સાથે બપોરે ત્રણ વાગ્યે વરસાદ શરૂ થયા બાદ પાંચ વાગ્યા સુધી માં અઢી ઈંચ જેટલો વરસાદ થતા ગામ ની બજાર માં પાણી વહેતા થયા હતા તેમજ સીમ વિસ્તાર માં પણ ખેતરો માં પાણી ભરાયા હતા.જોકે, વાંસજાળીયા તથા આસપાસ ના ગામો માં આ વરસે બહુ જ ઓછો વરસાદ થયો છે અને અહીંની મીણસાર નદી માં એક પણ પુર આવ્યું નથી.તેમ છતાં ઘાસચારા નો પ્ર‘ હળવો થશે અને આજ નો વરસાદ લાભકારક થશે. આસપાસ ના ગામો માં પણ વતો ઓછો વરસાદ થયા ના વાવડ છે.
મહુવા
(રહીમ વસાયા દ્વારા) મહુવા : સૌરાષ્ટ્રના મહુવા શહેરમાં એક દિવસ ના વિરામ બાદ કાલે ફરી બપોર ના દોઢ વાગ્યા આસપાસ વિજળી ના કડાકા ભડાકા સાથે એક ઈંચ જેટલો ધીંગો વરસાદ વરસી જતા નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયાં છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ હોવા ના વાવડ મળી રહેલ છે.
રાજુલા
(જગદીશ ઝાંખરા દ્વારા) રાજુલા : અમરેલી જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને લાઠી, ધારી તેમજ રાજુલા પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો. રાજુલા પંથકમાં છેલ્લા બે દિવસના વિરામ બાદ કાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાજુલા શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજુલા પંથકમાં
અંદાજે પોણો ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. રાજુલાના ડુંગર, માંડળ, કુંભારીયા,દેવકા, જુની માંડરડી, ધારેશ્વર અને વાવેરા સહિતના તમામ ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. સતત વરસી રહેલા ભારે વરસાદથી રોડ પર વરસાદના પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત રાજુલા શહેરની મુખ્ય બજારોમાં પણ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ પોણો ઇંચ વરસાદ પડતાં જ સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તેમજ ખેડૂતોમાં પણ વરસાદને પગલે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ભાવનગર
(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગરઃ મંગળવારે બપોર સુધી ભાવનગરમાં કાળઝાળ ગરમી અને બફારાનું સામ્રાજ્ય રહ્યું હતું. જોકે, સાંજે ૪ વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ ઘેરા વાદળોથી આચ્છાદિત થઈ ગયું હતું. ગોહિલવાડ પંથકમાં સર્જાયેલા આ વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના ગારીયાધાર અને મહુવા તાલુકામાં બપોરના સમયે વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી હતી અને એક ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબકયો હતો. આ ઉપરાંત તળાજા અને ઉમરાળા તાલુકામાં પણ છૂટોછવાયો છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધાયેલા વરસાદ માં ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં સૌથી વધુ ૩૦ મી.મી. (એક ઇંચથી વધુ) અને મહુવામાં ૨૧ મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે તળાજામાં ૭ મી.મી. અને ઉમરાળામાં ૨ મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૫.૫ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૬.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા જેટલું ઊંચું રહેવા પામ્યું હતું, જેના કારણે દિવસ દરમિયાન નાગરિકોએ અસહ્ય બફારાનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે પવનની સરેરાશ ઝડપ ૧૬ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. વરસાદી માહોલને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
