તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ધ્રાંગધ્રા નજીક માળીયા બ્રાન્ચ કેનાલમાં ઝંપલાવનાર આધેડ મહિલાનો જીવ બચાવ્યો
યુવાનોએ દોરડાની મદદથી મહિલાને બહાર કાઢી ૧૦૮ને જાણ કરી

વઢવાણ, તા.૨૪: ધ્રાંગધ્રા નજીક માળીયા બ્રાન્ચ કેનાલમાં કંટાવાથી કુળા ડાઇવર્ઝન તરફ જતા માર્ગે જીવનથી કંટાળેલી એક આધેડ મહિલાએ કેનાલમાં ઝંપલાવતાં અફરાતફરી મચી હતી. જોકે, સદનસીબે આસપાસના વાડી વિસ્તારમાં પોતાના ખેતરે કામ અર્થે આવેલા યુવાનોની નજર મહિલાને પડતાં દલવાડી સમાજના આશિષ પરમાર, મેહુલભાઈ ચૌહાણ સહિતના યુવાનોએ જીવના જોખમે જહેમત ઉઠાવી મહિલાને મોતના મુખમાંથી ઉગારી લેતાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
પ્રાથમિક વિગતો મુજબ, યુવાનોએ દોરડાની મદદથી કેનાલમાં ઝંપલાવી મહિલાનો હાથ પકડી તેને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. કેનાલમાં પાણીનો પ્રવાહ હોવા છતાં મહિલાએ પણ જીવન બચાવવા સંઘર્ષ કર્યો હતો અને યુવાનોના સમયસરના પ્રયાસો સફળ રહ્યા હતા. ઘટના બાદ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, મહિલાને કેનાલ નજીક જમીન અને પરિવાર હોવા છતાં શારીરિક બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ મહિલાની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
