<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

અમરેલીમાં ધોળા દિવસે દીપડાનો આતંક: કપાસ વીણતા શ્રમિક પરિવારના ૭ વર્ષના માસૂમ બાળકને ફાડી ખાતા અરેરાટી, કાળજું કંપાવતી ઘટનાથી સીમ વિસ્તારમાં ફફડાટ

બાળકનું સ્થળ પર જ કરૂણ મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું, ગીર બોર્ડર નજીકના વિસ્તારોમાં અવારનવાર થતા દીપડાના હુમલાઓથી ખેડૂતો અને મજૂરોમાં ભય, વન વિભાગે પાંજરા ગોઠવીને શોધોખોળ આદરી

અમરેલી : અમરેલી જિલ્લામાં અવારનવાર સામે આવતો હિંસક વન્યજીવોનો ત્રાસ ફરી એકવાર અત્યંત ઘાતક સાબિત થયો છે, જ્યાં મોટા ભંડારીયા અને સણોસરા ગામની સીમમાં ધોળા દિવસે એક હિંસક દીપડાએ ૭ વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરીને તેને ફાડી ખાધો છે.

મળતી વિગતો અનુસાર, કપાસ વીણવાનું મજૂરી કામ કરી રહેલા એક શ્રમિક પરિવારનો માસૂમ બાળક ખેતરમાં નજીક રમતો હતો ત્યારે અચાનક આવી ચડેલા દીપડાએ તેના પર તરાપ મારી હતી, અને આ ભયાનક હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકે સ્થળ પર જ પ્રાણ છોડી દેતા વ્હાલસોયાના મોતથી પીડિત પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો, અને સીમ વિસ્તારમાં કામ કરતા ખેડૂતો તથા શ્રમિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હુમલાખોર દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન સાથે પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર ગીર જંગલની બોર્ડર નજીક આવેલો હોવાથી અવારનવાર દીપડા જેવા હિંસક પશુઓ માનવ વસાહતો અને સીમ વિસ્તારમાં ઘૂસી આવે છે, અને આ અગાઉ ધારી તાલુકાના નાગધ્રા તથા દેવળા ગામની સીમમાં પણ માસૂમ બાળકો પર દીપડાના લોહિયાળ હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

સતત વધી રહેલી આવી દુર્ઘટનાઓને કારણે સમગ્ર અમરેલી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ભારે દહેશત અને આક્રોશનો માહોલ વ્યાપી ગયો છે, અને સ્થાનિક રહીશો દ્વારા વન વિભાગ પાસે આદમખોર અને હિંસક દીપડાઓથી કાયમી મુક્તિ અપાવવા માટે કડક પગલાં લેવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

(6:17 PM IST)