<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડાની દહેશત: સતત ચોથા દિવસે પણ વાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખ્યો

ઉપરકોટ કિલ્લામાં ઘૂસેલો દીપડો હજુ પણ પકડાયો નથી :પ્રવાસીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વન વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં ઘૂસેલો દીપડો હજુ પણ પકડાયો ન હોવાના કારણે આજે સતત ચોથા દિવસે પણ કિલ્લો પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે. પ્રવાસીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વન વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કિલ્લાની અંદર દીપડાની દહેશત યથાવત છે અને મોડી રાત્રે પણ તે ઉપરકોટની રાંગ (દિવાલ) પર વિચરતો નજરે પડી રહ્યો છે.

 

દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા તંત્રને કામે લગાડવામાં આવ્યું છે અને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગત રાત્રે વન વિભાગ દ્વારા વધુ ત્રણ પાંજરા તેમજ વિશેષ ટ્રેપ ગોઠવવામાં આવી હતી, પરંતુ દીપડો અત્યાર સુધી પાંજરામાં કેદ થયો નથી. દીપડો ચાલાક સાબિત થઈ રહ્યો હોવાથી તે પાંજરામાં આવવાનું ટાળી રહ્યો છે. વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા માટે સતત સઘન મહેનત અને પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. જ્યાં સુધી દીપડો પકડાઈ નહીં અને સ્થિતિ સંપૂર્ણ સુરક્ષિત ન બને, ત્યાં સુધી ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે બંધ જ રહેશે.

 

 

 જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપરકોટ સહિત જૂનાગઢના વિવિધ ફરવા લાયક સ્થળોની મુલાકાતે ઉમટી પડે છે. આ તહેવારોની મોસમમાં પ્રવાસીઓની ભીડ વચ્ચે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે અકસ્માત ન સર્જાય, તે માટે વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા આ કાળજી રાખવામાં આવી રહી છે.

(11:44 AM IST)