<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ગુસ્સો છોડો, અહંકાર છોડો, પ્રેમથી રહો : જુનાગઢના મહેશગીરી બાપુનો દિવ્ય સંદેશ

ગિરનાર એ માત્ર પર્વત નથી, ગિરનાર એ સાધના છે, શ્રદ્ધા છે, મન શાંત ન હોય તો કોઈ સુખ સાચું સુખ નથી : ભક્તોને ભાવપૂર્ણ સંદેશ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૨૭  :જુનાગઢના મહેશગીરીબાપુનો વિડિયો વાયરલ થયો છે જેમા મહેશગીરી બાપુએ ખૂબ જ શાંત, સરળ અને ભાવપૂર્ણ રીતે સંદેશ આપ્યો છે, વિડિયોની શરૂઆતમાં મહેશગીરીબાપુએ હર હર મહાદેવ, જય ગિરનારી કહીને મારા વ્હાલા ભક્તો, સૌને મારા હૃદયપૂર્વકના પ્રણામ કહ્યા હતા.

      ત્યારબાદ મહેશગીરીબાપુએ કહ્યું હતું કે આજે હું તમારી સામે એક નાના સંદેશ સાથે આવ્યો છું, વાત કોઈ મોટી નથી, વાત છે આપણા મનની શાંતિની, આપણે બધા જીવનમાં દોડીએ છીએ, પૈસા પાછળ, નામ પાછળ, સુખ પાછળ, પણ એક વાત યાદ રાખજો, જ્યાં સુધી મન શાંત નથી, ત્યાં સુધી કોઈ સુખ સાચું સુખ નથી.

         મહેશગીરીબાપુએ વધુમાં કહ્યું હતું કે ગિરનાર એ માત્ર પર્વત નથી, ગિરનાર એ સાધના છે, ગિરનાર એ શ્રદ્ધા છે, જે માણસ સાચા મનથી ગિરનારની પરિક્રમા કરે છે, એના જીવનના બધા દુઃખ ઓગળી જાય છે, એટલે મારી તમને એક જ વિનંતી છે, ગુસ્સો છોડો, અહંકાર છોડો, એકબીજા પ્રત્યેનો વેર-ઝેર છોડો, બધા સાથે પ્રેમથી રહો, બધાને સાથે લઈને ચાલો, સંતોનો આદર કરો, વડીલોનો આદર કરો, બાપુએ કહ્યું હતું કે જો તમારા મનમાં કોઈ માટે કડવાશ હશે, તો તમારી ભક્તિ ક્યારેય પૂર્ણ નહીં થાય, એટલે મનને સાફ રાખો, જેમ ગંગા જળ સાફ હોય છે, એમ મનને સાફ રાખો,            અંતમાં મહેશગીરીબાપુએ કહ્યું હતું કે હું કાયમ તમારા માટે, સમાજ માટે, ધર્મ માટે પ્રાર્થના કરતો રહીશ, ભગવાન દત્તાત્રેય, ભગવાન મહાદેવ સૌના પર કૃપા કરે, સૌના ઘરમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ આપે એ જ મારી પ્રાર્થના છે, ફરી એક વાર સૌને મારા પ્રણામ, જય ગિરનારી, હર હર મહાદેવ, બાપુનો આ સંદેશ આજે દરેકે સાંભળવા જેવો છે.

(12:01 PM IST)