તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
મોરબી જિલ્લામાં જમીનોની કિંમત વધુ, ખેડૂતોને યોગ્ય વળતર મળે તે જરૂરી : ધારાસભ્ય
ગુજરાત સરકાર રાજસ્થાન અને કર્ણાટકની જેમ કેન્દ્રની ૨૧-૦૩-૨૦૨૫ની ગાઈડલાઈનનો અમલ કરે તો ખેડૂતોને વધુ ફાયદો મળે : દુર્લભજીભાઈ દેથરીયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨: કચ્છ-ખાવડાથી અદાણી કંપનીની વીજલાઈન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે, જેમાં ખેડૂતોને વળતરમાં અન્યાય થતો હોવા મામલે જેતપરમાં આંદોલન ચાલી રહ્યું છે. આ અંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ જણાવી રહ્યા છે કે મોરબી જિલ્લામાં જમીનોની કિંમત વધુ છે. ખેડૂતોને યોગ્ય વળતર મળે તે જરૂરી છે.
આ અંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું કે વીજલાઈન પસાર થવાથી જમીનની વેલ્યુ ૫૦% ઘટી જતી હોવાથી ખેડૂતોની વધુ વળતરની માંગ વ્યાજબી છે. ભારત સરકારના પાવર વિભાગ દ્વારા ૧૪-૦૬-૨૦૨૪ ના પરિપત્ર મુજબ વળતરની ગાઈડલાઈન જાહે૨ ક૨ાઈ હતી, જેનો ગુજરાત સરકારના ઊર્જા વિભાગે ૦૨-૧૨-૨૦૨૪ ના રોજ અમલ કર્યો છે. આ મુજબ કલેક્ટરો દ્વારા DLVC ની બેઠકમાં મોરબી જિલ્લાના ગામોની જમીનના ભાવો ૨૫-૦૯-૨૦૨૫ ના રોજ નક્કી કરાયા હતા.
પરંતુ, DLVC ના મૂલ્યાંકન અને માર્કેટ ભાવમાં મોટી વિસંગતતા હોવાથી ખેડૂતોએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે ૨૧-૦૩-૨૦૨૫ ના રોજ નવી સપ્લીમેન્ટ્રી ગાઈડલાઈન આપી છે.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું છે કે તેમણે ૫ તારીખે અને ત્યારબાદ ૭ તારીખે ખેડૂતો પાસેથી લેખિત માંગણીઓ લઈને મુખ્યમંત્રી તેમજ ઋષિકેશભાઈ અને જીતુભાઈને મોકલી આપી છે. જો ગુજરાત સરકાર કેન્દ્રની ૨૧-૦૩-૨૦૨૫ની ગાઈડલાઈનનો અમલ કરે તો આ આંદોલન પૂર્ણ થઈ શકે તેમ છે, જે રીતે રાજસ્થાન અને કર્ણાટક સરકાર ખેડૂતોને વળતર ચૂકવે છે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ શું છે?
ટેલિગ્રાફ એક્ટ ૧૮૮૫ ની કલમ ૧૦(d) મુજબ થાંભલા અને તાર આવવાથી થતું સંપૂર્ણ નુકસાન કંપનીએ ચૂકવવું જોઈએ.
૧૪-૦૬-૨૦૨૪ની ગાઈડલાઈન મુજબ ટાવર વિસ્તાર માટે બજાર કિંમતના ૨૦૦% નો ઉલ્લેખ છે, પરંતુ રાજસ્થાન સરકારની જેમ ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના વધારાના ૨૦૦% મળીને કુલ ૪૦૦% વળતર જંત્રીના બદલે બજાર કિંમતે મળવું જોઈએ.
ROW વિસ્તારમાં ૨૧-૦૩-૨૦૨૫ ની ગાઈડલાઈન મુજબ બજાર કિંમતના ૩૦%, ૪૫% અને ૬૦% આપવાનો ઉલ્લેખ છે, પરંતુ હાઈટેન્શન લાઈન હોવાથી તેમાં ૨૦૦% વધારો કરીને અનુક્રમે ૨૩૦%, ૨૪૫% અને ૨૬૦% વળતર આપવું જોઈએ.
જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે DLVC ના બદલે MRC કમિટીની રચના થવી જોઈએ.
તમામ પ્રકારનું વળતર એક જ હપ્તામાં અને એડવાન્સમાં આપવામાં આવે.
વળતરનો હુકમ કલેક્ટર કચેરીમાં જમા થાય પછી જ કલમ ૧૬(૧) હેઠળની કાર્યવાહી શરૂ કરવામાં આવે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
