તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
મુળીના ભાજપ આગેવાન હરદેવસિંહ પરમાર સામે લેન્ડ ગ્રેબિંગની અરજીઃ ધાર્મિક જગ્યાની જમીન હડપ કરવાનો આરોપ
સુરેન્દ્રનગરના ઉમરડા ગામે કોયા બાપાની જગ્યાના સર્વે નં. ૧૧૭, ૧૩૭ની દેવળીયા જમીન પર ૨૫ વર્ષથી કબજાનો આક્ષેપઃ મંદિરના પૂજારી તુલસીદાસ દુધરેજીયાએ કલેક્ટર કચેરીમાં પુરાવા સાથે અરજી કરી, હરદેવસિંહ પરમાર અને જગાભાઈ આહીર સામે કાર્યવાહીની માંગ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢ઼વાણ તા.૯: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ઉમરડા ગામ નજીક આવેલ કોયા બાપાની જગ્યાની જમીનમાં ગેરકાયદે કબજો કરવાના મામલે ભાજપ આગેવાન અને ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અરજી દાખલ થઈ છે. મંદિરના પૂજારી તુલસીદાસ હરિરામ દુધરેજીયા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીમાં પુરાવા સાથે અરજી કરાઈ છે.
ઉમરડા ગામે ટીડાણાના માર્ગે કોયા બાપાની કબીર સંપ્રદાય સાથે જોડાયેલી જગ્યા આવેલી છે. આ જગ્યાનો સર્વે નંબર ૧૧૭, ૧૩૭ અને ખાતા નંબર ૨૬૨, ૫૨૮ છે. આ જમીન દેવળીયા તરીકે મંદિરને આપવામાં આવી હતી અને વર્ષોથી પૂજારી તુલસીદાસ દુધરેજીયા ખેડીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે.
પૂજારીના આક્ષેપ મુજબ, છેલ્લા ૨૫ વર્ષથી હરદેવસિંહ પરમાર ઉર્ફે દિનેશસિંહ અને જગાભાઈ આહીર દ્વારા આ જમીન પર ગેરકાયદેસર કબજો કરી વાવેતર કરવામાં આવી રહ્યું છે. પૂજારી દ્વારા જમીન ખાલી કરવા અનેકવાર રજૂઆત કરવા છતાં જમીન ખાલી કરવામાં આવી નથી. ઉલટાનું ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ અરજીમાં કરાયો છે.
પૂજારી તુલસીદાસ દુધરેજીયાએ તમામ રેકોર્ડ અને પુરાવા એકત્ર કરી કલેક્ટર કચેરીમાં રજૂ કર્યા છે. અરજીમાં જણાવાયું છે કે ખેતરમાં જગાભાઈ આહીર નામના વ્યક્તિને બેસાડી દેવાયો છે અને પ્રવેશ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી અપાય છે. આધારે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.
મુળી તાલુકામાં અનેક જગ્યાએ જમીન પર ગેરકાયદે દબાણના સમાચારો વચ્ચે ભાજપ આગેવાન સામે ધાર્મિક સંસ્થાની જમીન હડપ કરવાના આરોપસર લેન્ડગ્રેબિંગની અરજી દાખલ થતાં પંથકમાં ચકચાર મચી છે. સ્થાનિક લોકોમાં આ મામલે વિવિધ ચર્ચાઓ થઈ રહી છે.
આ મામલે હવે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. અરજીમાં ઉઠાવાયેલા મુદ્દાઓની તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
