<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

કચ્છના મુન્દ્રામાં દિવાળીના દીપ સાથે ગરીબ પરિવારોનાં આંગણે ઝળહળ્યો માનવતાનો દીપ ! તપગચ્છ જૈન સંઘ દ્વારા ૧૦ હજારથી વધુ જૂનાં કપડાંનું વિતરણ

જરૂરિયાતમંદ બાળકોને બૂંદી-ગાંઠિયાની પ્રભાવના; પૂ. અનંતસિદ્ધિવિજયજી મ.સા.ની પ્રેરણા અને મુન્દ્રાની જનસેવાના રાજ સંઘવીના સહયોગથી સેવાયજ્ઞનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા )ભુજ તા.૩૧ :  દિવાળીના પર્વની સાચી ઉજવણી માત્ર ઘરને દીવડાંથી ઝળહળતું કરવામાં નહીં, પરંતુ કોઈ જરૂરિયાતમંદના જીવનમાં ખુશીનો દીપ પ્રગટાવવામાં રહેલી છે. તહેવારોની આ ખુશી સમાજના છેવાડાના અને વંચિત પરિવારો સુધી પહોંચે તેવા ઉમદા માનવીય અભિગમ સાથે મુન્દ્રામાં સેવાભાવની અનોખી મિશાલ જોવા મળી હતી. મુન્દ્રા તપગચ્છ જૈન સંઘે મુન્દ્રાની જનસેવાના સહયોગથી ગરીબ વસાહતોમાં સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી દિવાળીની ઉજવણીને સાચા અર્થમાં સંવેદનાની સુવાસથી મહેકાવી હતી.

હાલ દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મુન્દ્રા તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશ મહેતા, મહામંત્રી પારસ ફોફડિયા તથા સમસ્ત જૈન સંઘના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ઉપયોગી થઈ શકે તે હેતુથી જૂનાં કપડાં એકત્રિત કરવામાં આવ્યાં હતાં. સંઘના પ્રમુખ હરેશ મહેતાએ જણાવ્યું હતું કે, હાલ સંઘમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન પૂજ્ય શ્રી અનંતસિદ્ધિવિજયજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતોના આશીર્વાદ અને પ્રેરણાથી દિવાળી પર્વ નિમિત્તે આ સેવાકીય અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત મુન્દ્રાની જનસેવાના માધ્યમથી વિવિધ ગરીબ વસાહતોમાં અંદાજે 10 હજારથી વધુ જૂનાં કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ગરીબ વસાહતોનાં બાળકોના ચહેરા પર સ્મિત રેલાય અને તેઓ પણ દિવાળીના પર્વની ખુશીમાં સહભાગી બની શકે તે ભાવનાથી બૂંદી-ગાંઠિયાનાં પેકેટનું પ્રભાવના સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.

ખાસ વાત એ રહી કે આ સેવાકાર્ય માત્ર વસ્તુઓના વિતરણ પૂરતું સીમિત ન રહેતાં સમાજના જરૂરિયાતમંદ વર્ગ પ્રત્યેની લાગણી, કરુણા અને સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ બની રહ્યું હતું. તહેવારોની ખુશી સૌની હોય, કોઈ બાળક માત્ર અભાવના કારણે ઉત્સવની મીઠાશથી વંચિત ન રહે અને કોઈ પરિવારને ઉપયોગી વસ્ત્રો મળી રહે, એ જ આ અભિયાન પાછળની સાચી ભાવના હતી. મુન્દ્રાની જનસેવાના રાજ સંઘવીએ જણાવ્યું હતું કે, દિવાળીના આગામી દિવસોમાં પણ સેવાકીય પ્રવૃત્તિનો આ સિલસિલો આગળ વધારવામાં આવશે અને જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવશે.

આ સેવાકીય પ્રવૃત્તિમાં મુન્દ્રા તપગચ્છ જૈન સંઘના રોહિત મહેતા, મુન્દ્રા જૈન ગુર્જર વિશા ઓસવાળ સમાજના પ્રમુખ પ્રણવ શાહ, કિરીટ મહેતા, મયંક મહેતા તેમજ જય ભોલે ગ્રુપના રૂપેશ ઝાલા સહિતના સેવાભાવી આગેવાનો જોડાયા હતા.

દિવાળીના દીવડાં તો દરેક ઘરમાં પ્રગટશે, પરંતુ કોઈ જરૂરિયાતમંદના ચહેરા પર સ્મિત પ્રગટાવવું એ જ સાચી દિવાળી છે. મુન્દ્રામાં યોજાયેલી આ સેવાપ્રવૃત્તિએ સાબિત કર્યું કે ધર્મની સાચી સાર્થકતા આરાધનાની સાથે માનવસેવા અને પરોપકારમાં પણ સમાયેલી છે. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(3:31 PM IST)