News of Wednesday, 11th November 2026
દિવાળી વેકેશનમાં કચ્છમાં દેશ- વિદેશનાં લાખો સહેલાણીઓ ઉમટી પડ્યાં: સફેદ રણથી લઈ લખપત સુધી માનવ મહેરામણ
જિલ્લાનું મુખ્ય મથક ભુજ જાણે કોઈ વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન ધામ બની ચૂક્યું હોય તેવો ગૌરવવંત માહોલ સર્જાયો

દિવાળી વેકેશનના પર્વ નિમિત્તે કચ્છ જિલ્લો દેશ અને વિદેશના લાખો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. સરહદી જિલ્લા કચ્છમાં સફેદ રણથી લઈને છેક ઐતિહાસિક લખપત સુધી પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જિલ્લાનું મુખ્ય મથક ભુજ જાણે કોઈ વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન ધામ બની ચૂક્યું હોય તેવો ગૌરવવંત માહોલ સર્જાયો છે. કચ્છની રાજાશાહી યુગની પ્રાચીન વિરાસત અને સ્થાપત્યકળાને પોતાનામાં સાચવીને બેઠેલા આયના મહેલ તેમજ પ્રાગ મહેલ જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માટે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.
કચ્છમાં આવી પહોંચેલા પ્રવાસીઓ વિશ્વવિખ્યાત સફેદ રણની અદ્ભુત ચાંદની અને પ્રાકૃતિક સૌંદર્યની મજા માણી રહ્યા છે. આ સિવાય માંડવીનો રમણીય દરિયા કિનારો, વિજય વિલાસ મહેલ, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ અને અબડાસા સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ભુજ સ્થિત ભવ્ય સ્વામિનારાયણ મંદિર, ઐતિહાસિક મ્યુઝિયમ અને મહેલો પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આમ તો કચ્છ હંમેશાંથી પ્રવાસીઓને આકર્ષતું આવ્યું છે, પરંતુ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના અથાક પ્રયાસોને લઇ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ ઊભું કર્યું છે.
દર વર્ષે કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક વેપાર અને રોજગારને પણ મોટો ટેકો મળી રહ્યો છે. પ્રવાસન સ્થળોથી લઈને હોટલો અને રિસોર્ટ સુધી બધું જ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. કચ્છી સંસ્કૃતિ, હસ્તકળા અને પરંપરાગત વાનગીઓનો આસ્વાદ માણી રહેલા સહેલાણીઓ એક જ સૂર પૂરાવી રહ્યા છે કે "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા". જો તમે પણ આ વેકેશનમાં યાદગાર પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ, તો કચ્છની મુલાકાત તમારા માટે અવિસ્મરણીય અનુભવ બની રહેશે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
