<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

લક્ઝરી કાર કરતાંય મોંઘી ૧૫ લાખની લાખેણી કચ્છી ભેંસ !

બન્નીના હોડકોના પશુમેળામાં કુંઢી નસલની ‘મિસરી’ ભેંસ અમદાવાદના પશુપાલકે નાના લુણા ગામના માલધારી પાસેથી ખરીદી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ :  કચ્છની ઓળખ સમાન બન્નીની દેશી પશુઓની ઓલાદ અને તેની વિશેષતાઓનો પરચો ફરી એકવાર જોવા મળ્યો છે. બન્નીના હોડકો ખાતે યોજાયેલા પશુમેળામાં ‘મિસરી’ નામની કચ્છી ભેંસે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ભેંસની કિંમત સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અમદાવાદના પશુપાલકે આ લાખેણી ભેંસની ૧૫ લાખ ૧૧ હજાર રૂપિયા જેવી માતબર રકમ ચૂકવીને ખરીદી કરી છે. લક્ઝરી કારની કિંમતને પણ ટક્કર આપે તેવી આ ભેંસ કચ્છના પશુપાલન ક્ષેત્રે ચર્ચાનું કેન્દ્ર બની છે.

બન્ની વિસ્તારના હોડકો ખાતે યોજાયેલા પશુમેળામાં બન્ની નસલની ‘મિસરી’ નામની કુંડી ભેંસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. અમદાવાદના કુંજાડ ગામના પશુપાલક વેપારી લાલાભાઈ દેસાઈએ નાના લુણા ગામના માલધારી ધુલા હાજી જીવણ જત પાસેથી આ ભેંસ ૧૫ લાખ ૧૧ હજાર રૂપિયામાં ખરીદી હતી. ભેંસની ઉંમર છ વર્ષની છે અને અત્યાર સુધીમાં બે વખત વિયાણેલી છે. હાલમાં તે ફરી પ્રસૂતા થઈ છે.

આ ભેંસની સૌથી મોટી વિશેષતા તેની દૂધ આપવાની ક્ષમતા છે. એક ટંકે ૧૦ લીટર અને દિવસના બે ટંકે કુલ ૨૦ લીટર દૂધ આપતી આ ભેંસ પશુપાલકો માટે આકર્ષણનું વિશેષ કેન્દ્ર બની છે. તેની દૂધ આપવાની ક્ષમતા, ઉત્તમ નસલ અને શારીરિક બાંધાને કારણે તેને આટલી ઊંચી કિંમત મળી હોવાનું માનવામાં આવે છે.

*બન્નીની ભેંસોની વધી રહી છે માંગ*

છેલ્લા કેટલાક સમયથી બન્નીની ભેંસોના ભાવ ઘટવાને બદલે ઉત્તરોત્તર વધી રહ્યા છે. બન્નીની ઉત્તમ નસલની ભેંસોની માંગ માત્ર કચ્છ કે ગુજરાત પૂરતી મર્યાદિત નથી, પરંતુ અન્ય વિસ્તારોના પશુપાલકોમાં પણ આવી ભેંસો ખરીદવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સારી નસલ, વધુ દૂધ ઉત્પાદન અને પ્રજનનક્ષમતાને કારણે બન્નીની ભેંસો પશુપાલકો માટે આર્થિક રીતે પણ ફાયદાકારક સાબિત થઈ રહી છે.

*માવજત અને સંભાળ પણ એટલી જ જરૂરી*

માલધારીઓના જણાવ્યા મુજબ, આવી ઉત્તમ નસલની ભેંસોની ખરીદી કર્યા બાદ તેમની યોગ્ય માવજત કરવી પણ એટલી જ જરૂરી છે. ભેંસને નિયમિત સવારે-સાંજે પૂરતો ઘાસચારો, સમયસર નવડાવવી, નિયમિત પાણી આપવું તેમજ સમયાંતરે તબીબી તપાસ કરાવવી પડે છે. યોગ્ય દેખભાળ અને પોષણથી જ પશુનું સ્વાસ્થ્ય જળવાય છે અને દૂધ ઉત્પાદનની ક્ષમતા પણ સારી રહે છે. બન્નીની કુંઢી ભેંસોની ઉત્તમ નસલ અને વધતી માંગને જોતાં ભવિષ્યમાં આવી ભેંસોની કિંમતમાં હજુ વધારો થવાની શક્યતા માલધારીઓ વ્યક્ત કરી રહ્યા છે. બન્નીની સારી નસલની ભેંસોની કિંમત ૨૦ લાખ રૂપિયા સુધી પહોંચી શકે તેવી પણ સંભાવના છે.

આમ, કચ્છની ધરતી પર ઉછરેલી બન્નીની કુંઢી નસલની ભેંસે ૧૫ લાખ ૧૧ હજાર રૂપિયાની કિંમત મેળવીને સાબિત કર્યું છે કે પશુધન પણ કોઈ લક્ઝરી કારથી ઓછું નથી. પશુપાલન ક્ષેત્રે કચ્છની આગવી ઓળખ અને બન્નીની ભેંસોની પ્રતિષ્ઠામાં આ સોદાએ વધુ એક ગૌરવપૂર્ણ ઉમેરો કર્યો છે.

(9:22 AM IST)