News of Friday, 13th November 2026
ગોંડલના ત્રાકુડામાં ખડ વાઢવા મામલે ઠપકો અપાતાં મજૂરે ખેતર માલિકના પત્નિને પાવડાથી પતાવી દીધા
‘તું કોણ ખેતરનું કામ શીખડાવવા વાળો, તારી ઘરવાળીને પાવડાથી પતાવી દીધી હવે તારો વારો' કહી ખેતર માલિક જીતેન્દ્રભાઇ અમૃતીયા સાથે ઝપાઝપી કરી પોતાના પરિવારજનોને લઇ ભાગી નીકળ્યોઃ પત્નિ વાડીમાં જોવા ન મળતાં શોધખોળ ચાલુ કરતાં ખેતરમાં મરચી-રીંગણના ચાસમાંથી લાશ મળી : ભાઇબીજના દિવસે બનાવઃ હત્યાનો ભોગ બનેલા જ્યોત્સનાબેન અમૃતિયા (ઉ.વ.૫૬)ના મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ ગોંડલ તાલુકા પોલીસે મૃતકના પુત્ર ભાર્ગવભાઇ અમૃતીયાની ફરિયાદ પરથી ગુનો નોંધી એમપીના રાજુ ચોરાને વતન ભાગે એ પહેલા પકડયો : એસપી વિજયસિંહ ગુર્જરની રાહબરીમાં ગોંડલ તાલુકા પીઆઇ એ. યુ. ડામોર અને ટીમે આરોપીને કલાકોમાં શોધી કાઢયો

હત્યાનો આરોપી રાજુ ચોરા
રાજકોટ તા. ૧૩: જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે વાડીમાં ભાગીયા મજૂર તરીકે કામ કરતાં મધ્યપ્રદેશના મજૂરને ખેતર માલિક પટેલ પ્રોૈઢ અને તેમના પત્નિએ દસકે દિવસ પહેલા ખેતરમાં સરખુ કામ કરવા બાબતે અને મરચાના પાક વચ્ચે ખડ ઉગી નીકળ્યું હોઇ ખડ વાઢવા બાબતે ઠપકો આપ્યો હોઇ તેણે ખાર રાખી મજૂરે ભાઇબીજની સવારે ખેતર માલિકના પત્નિને માથામાં પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી લાશ મરચા રીંગણીના પાક વચ્ચે ફેંકી દેતાં ચકચાર મચી ગઇ છે. હત્યા બાદ ખેતર માલિકને પણ તું કોણ મને ખેતરનું કામ શીખવડાવવા વાળો, તારી ઘરવાળીને મારીને ફેંકી દીધી છે હવે તારો વારો છે...તેમ કહી ઝપાઝપી કરી પોતાના પરિવારને લઇને ભાગી નીકળ્યો હતો. આ પછી કલાકો સુધી શોધખોળ કર્યા બાદ ખેતરમાંથી જ લાશ મળી આવી હતી. આરોપીને પણ ગોંડલ તાલુકા પોલીસે કલાકોમાં પકડી લીધો હતો.
આ બનાવમાં ગોંડલ તાલુકા પોલીસે હત્યાનો ભોગ બનેલા જોશનાબેન ઉર્ફે જ્યોત્સનાબેન જીતેન્દ્રભાઇ અમૃતીયા (ઉ.વ.૫૬)ના પુત્ર ભાર્ગવભાઇ અમૃતીયા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી હત્યાનો ભોગ બનનારના ખેતરના ભાગીયા મધ્યપ્રદેશના રાજુ રમેશભાઇ ચોૈરા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી સકંજામાં લીધો છે. ભાર્ગવભાઇ અમૃતીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે તેના માતા જોશનાબેન ઉર્ફે જ્યોત્સનાબેન અને પિતા જીતેન્દ્રભાઈ ઉકાભાઈ અમૃતીયા સાથે ત્રાકુડા ગામમાં રહે છે અને ગોંડલ જેલ રોડ પર આવેલી બંધન બેંકમાં સિનિયર સેલ્સ એક્ઝિકયુટિવ તરીકે છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરે છે. તેમના પિતા જીતેન્દ્રભાઈ અને મોટા બાપુ ચંદુભાઈના સંયુક્ત ખાતે ત્રાકુડા ગામની ખોડીયારવાળી સીમમાં ૬૦ વીઘા ખેતીની જમીન આવેલી છે, જેમાંથી મૌખિક સમજૂતીથી ૪૦ વીઘા જમીન તેમના પિતાના ભાગે અને ૨૦ વીઘા જમીન મોટા બાપુના ભાગે આવેલી છે.
આ ૪૦ વીઘા વાડી ભાગિયું વાવવા માટે મૂળ મધ્યપ્રદેશના મજૂર રાજુ રમેશભાઈ ચૌરાને રાખવામાં આવ્યો હતો. પણ ભાગિયો મજૂર રાજુ વાડીમાં સરખું કામ કરતો ન હતો. વાડીમાં વાવેલા મરચાના પાક વચ્ચે ખડ (ઘાંસ) ઊગી નીકળ્યું હતું. આથી આજથી આશરે દસેક દિવસ પહેલાં ભાર્ગવભાઇના માતા-પિતાએ મજૂર રાજુને ખડ વાઢી નાખવા બાબતે ઠપકો આપ્યો હતો અને બનાવના દિવસે સવારે પણ ખડ વાઢવા બાબતે કહેતા રાજુએ ભાર્ગવભાઇના માતા-પિતા સાથે બોલાચાલી કરી હતી.
બાદમાં તારીખ ૧૧/૧૧ના રોજ સવારે સાડા સાત વાગ્યે ભાર્ગવભાઈ તેમના પિતા જીતેન્દ્રભાઈને મોટરસાયકલ પર વાડીએ મૂકી આવ્યા હતા અને ત્યારબાદ સવારે સાડા આઠેક વાગ્યે તેમના માતા જોશનાબેનને પણ વાડીએ મૂકીને પોતે ગોંડલ બંધન બેંક ખાતે નોકરી પર ગયા હતા.
ત્યારબાદ સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં ભાર્ગવભાઈ બેંકમાં ફરજ પર હતા ત્યારે તેમના પિતા જીતેન્દ્રભાઈએ મોટા બાપુના ભાગિયા મુસાભાઈના મોબાઈલ પરથી ફોન કરીને ગભરાયેલા અવાજે જણાવ્યું હતું કે-હું અને તારા મમ્મી વાડીએ હતા ત્યારે સવારે સાડાનવથી દસ વાગ્યા વચ્ચે ભાગિયા મજૂર રાજુએ પાવડો લઈને મારી પાછળ દોટ મૂકી હતી અને-તું મને કોણ વાડીનું કામ શીખડાવવાવાળો, તારી ઘરવાળીને પાવડાથી પતાવી દીધી છે, હવે તારો વારો છે...તેમ કહી મારી સાથે ઝપાઝપી કરી મારો શર્ટ ફાડી નાખ્યો છે, હું જીવ બચાવવા બીકના લીધે ત્યાંથી ભાગી ગયો છું, તું તાત્કાલિક વાડીએ આવ.
પિતાનો ફોન આવતા જ ભાર્ગવભાઈ તાત્કાલિક બેંકમાંથી નીકળી વાડીએ પહોંચ્યા હતા, જ્યાં તેમના પિતા મળ્યા હતા. બંનેએ વાડીમાં જઈને તપાસ કરતા આરોપી મજૂર રાજુ ચૌરા, તેની પત્નિ, દીકરો, દીકરી અને તેની માતા વાડીએથી ફરાર થઈ ગયા હોવાનું જણાયું હતું. ભાર્ગવભાઈએ તેમના માતા જોશનાબેનના મોબાઈલ પર ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. વાડીના શેઢે શોધખોળ કરવા છતાં માતાનો કોઈ પત્તો ન લાગતા ભાર્ગવભાઈએ ઈમરજન્સી ૧૧૨ પર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી.
થોડીવારમાં ઈમરજન્સી ૧૧૨ની ગાડી અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસની એક ટીમ ફરાર મજૂર રાજુની શોધખોળમાં નીકળી હતી, જ્યારે ભાર્ગવભાઈએ તેમના કુટુંબી ભાઈ ચેતનભાઈ અમૃતીયા અને કુટુંબી મોટા ભાઈ સુરેશભાઈને ફોન કરીને વાડીએ બોલાવ્યા હતા. પરિવારજનોએ આખી વાડીમાં ઝીણવટભરી શોધખોળ હાથ ધરતાં અંતે વાડીમાં વાવેલા મરચા તથા રીંગણીના ચાસમાં જોશનાબેનની માથા અને શરીરના ભાગે પાવડાના ઘા મારેલી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી.
આ અંગે ભાર્ગવભાઇના કુટુંબી ભાઈ ચેતનભાઈએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ કાફલોઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મળતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર યુ. આર. ડામોરે ફરિયાદી ભાર્ગવભાઈની ફરિયાદના આધારે આરોપી ભાગિયા મજૂર રાજુ રમેશભાઈ ચૌરા (ઉ.વ.૨૯-રહે. તા. પીટોલ, જાંબુઆ એમપી) વિરૂધ્ધ બીએનએસ ૨૦૨૩ની કલમ ૧૦૩ (૧) તેમજ ૧૧૫ (૨), ૩૫૧ (૩) તેમજ જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો. હત્યાનો ભોગ બનેલા જ્યોત્સનાબે બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. બનાવથી અમૃતિયા પરિવાર અને ત્રાકુડા ગામમાં પણ અરેરાટી વ્યાપી ગઇ હતી.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરની સુચનાથી ગોંડલના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ યુ. આર. ડામોર, પીએસઆઇ આર. જે. જાડેજા, એએસઆઇ વિરભદ્રસિંહ, કર્મરાજસિંહ, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ, પંકજભાઇ, અજયસિંહ, કોન્સ. અરવિંદભાઇ, જયદીપભાઇ અને ભગીરથભાઇએ આરોપીને પકડી લઇ ગુનામાં વપરાયેલુ હથીયાર પણ કબ્જે કર્યુ છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
