<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

કચ્છના રાપરને મળશે હવે નવું કોલેજ સંકુલ: ધારાસભ્યની રજૂઆતને પગલે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ માટેની કાયમી જમીનનો માર્ગ થયો મોકળો

જમીન હસ્તાંતરણનો પત્ર ધારાસભ્યના હસ્તે અર્પણ કરવામાં આવ્યો, ૨૦૧૫ થી કોલેજના નવા સંકુલ માટે કરાયેલી કાયમી જમીનની માંગનો પ્રશ્ન ઉકેલાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ : જૂન-૨૦૧૧થી રાપરમાં હરિયાળાં શૈક્ષણિક સંકુલમાં શરૂ થયેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ માટે કાયમી જમીનનો પ્રશ્ન લાંબા સમયથી અટવાયેલો હતો. તાજેતરમાં ગતિવિધિ શરૂ થયા બાદ હરિયાળાં સંકુલ ખાતે કોલેજને જમીન મંજૂર કરવામાં આવી છે. આ મુદ્દો ઉકેલાતાં વિદ્યાર્થીઓને ઘરઆંગણે નવી કોલેજની સુવિધા ઉપલબ્ધ બનશે. 

આ અંગે મળતી વિગતો મુજબ વર્ષ-૨૦૧૫થી કોલેજનાં મકાન, હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર, ઓફિસર્સ ક્વાર્ટર અને પ્લે ગ્રાઉન્ડ તથા પાર્કિંગ માટે જમીનની માગણી કરવામાં આવી હતી. અગાઉ ગાંધીનગર કક્ષાએ રજૂઆતો કરવામાં આવતાં કોલેજ માટે છેક ૨૫ કિમી દૂર ચિત્રોડ ખાતે જમીન મંજૂર કરવામાં આવી હતી જે કોલેજ મેનેજમેન્ટ દ્વારા સ્વીકારવામાં આવી ન હતી.

ત્યારબાદ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને આ અંગે રજૂઆત કરવામાં આવતાં તેમણે તત્કાલિન કલેક્ટરને મળીને આ અંગે રજૂઆત કરતાં કલેક્ટર દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને કલેક્ટર આનંદ પટેલે આ અંગે રૂબરૂ સૂચના આપી હતી અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી હરિયાળાં શૈક્ષણિક સંકુલમાં આવેલી બિનવપરાશી જમીન કોલેજ માટે કાયમી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ હસ્તાંતરણપત્ર ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા ના હસ્તે કોલેજના ઇન્ચાર્જ આચાર્ય પ્રો. પાર્વતીબેન આહીરને આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષોથી એક નાનાં એવાં બિલ્ડિંગમાં ચાલતી આ કોલેજને જમીન મળતાં તેમાં હોસ્ટેલ, ક્વાર્ટર્સ, પ્લે ગ્રાઉન્ડ વગેરેની સુવિધા ઉપલબ્ધ થતાં રાપરનો શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ થશે અને વિધાર્થીઓ તથા સ્ટાફ ને સુવિધાઓ ઉપલબ્ધ થશે 

રાપર માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એસ.પી. રામજિયાણી, એસ ઓ પ્રતાપભાઈ પરમાર ધારાસભ્ય ના પીએ વિનુભાઈ થાનકી નગરપાલિકા પ્રમુખ ચાંદ ઠક્કર, મદુભા વાઘેલા, અજિતસિંહ જાડેજા,ડોલરભાઈ ગોર કેશુભા વાઘેલા હમીરજી સોઢા બળવંત ઠક્કર 

 વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(11:46 AM IST)