તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Wednesday, 23rd September 2026
કચ્છનુ કટારિયા માનસ હનુમાન ધામ ૫૧૦૦૦ આશીર્વાદના દીવડાઓથી ઝળહળી ઊઠ્યું
સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ફ્લજીભાઈ ચૌધરી અને કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની ઉપસ્થિતિમાં ભવ્ય દીપોત્સવ; વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિરોગી સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે સામૂહિક પ્રાર્થના

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬ માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપ અને માનસ હનુમાન ધામ, કટારિયાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિરોગી સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રાષ્ટ્રસેવાના કાર્યો માટે વધુ શક્તિ-ઉર્જા પ્રાપ્ત થાય તેવા શુભાશય સાથે ૫૧ હજાર આશીર્વાદના દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.
માનસ હનુમાન ધામના મંદિર પરિસરમાં યોજાયેલા આ દીપોત્સવમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાયંકાળે એકસાથે 51 હજાર દીવડાઓ પ્રગટતાં સમગ્ર મંદિર પરિસર ઝગમગી ઊઠ્યું હતું અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે હનુમાનજી દાદાના ચરણોમાં સામૂહિક પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ ભાનુપ્રસાદ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી ભારતમાતાના ગૌરવોત્થાન અને દેશની પ્રગતિ માટે અવિરત પુરુષાર્થ કરી રહ્યા છે. આવા વિરલ વ્યક્તિત્વને વધુ બળ અને ઊર્જા પ્રાપ્ત થાય તે માટે સૌએ ઈશ્વર પાસે સામૂહિક પ્રાર્થના કરવી જોઈએ. કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની પ્રગતિ અને જનકલ્યાણ માટે સતત સમર્પિત ભાવે કાર્ય કરી રહ્યા છે. તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે દીપ પ્રગટાવી હનુમાનજી દાદાના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી છે. તેમણે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ દેશના સર્વાંગી વિકાસને આગળ ધપાવવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, ‘સેવા સંકલ્પ અભિયાન’નો હેતુ માત્ર કાર્યક્રમો યોજવાનો નથી, પરંતુ જન્મદિવસની ઉજવણીને સેવા, સંસ્કાર, એકતા અને સકારાત્મકતાની ભાવના સાથે જોડવાનો છે. વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સેવા અને સંસ્કારનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ સતત કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ વિકાસભાઈ રાજગોર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન વાઘજીભાઈ છાંગા સહિત અનેક સંતો-મહંતો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર આયોજનની સફળતા માટે ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ નારાયણભાઈ ઢીલા, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાજીબેન, જિલ્લા પંચાયત સભ્ય વિજયસિંહ જાડેજા, જગદીશભાઈ સુથાર, સુરેશભાઈ ઠાકોર, રવિન્દ્રભાઈ ગામી સહિતના કાર્યકર્તાઓ અને ભક્તજનોએ જહેમત ઉઠાવી હતી. આ અંગે કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ-ઇન્ચાર્જ દીપકભાઈ ડાંગરની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
