News of Saturday, 3rd October 2026
કચ્છના ઐતિહાસિક ધોળાવીરાને મળ્યો વૈશ્વિક પ્રતિષ્ઠાનો દરજ્જો: તાજમહેલ અને લાલ કિલ્લાની હરોળમાં સત્તાવાર સ્થાન
કચ્છના હડપ્પીય નગર ધોળાવીરાને કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ‘કેટેગરી-A’ સ્મારકનો દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે, જે દેશના સર્વોચ્ચ ૩૦ સ્મારકોની રાષ્ટ્રીય હરોળમાં સત્તાવાર રીતે સામેલ થયું છે.

ભુજ : કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ગૌરવ અપાવતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભુજ ખાતેથી પ્રાપ્ત વિગતો અનુસાર, પુરાતત્વ વિભાગ દ્વારા ગત ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ ગેઝેટ નોટિફિકેશન અંતર્ગત કચ્છના વિશ્વપ્રસિદ્ધ હડપ્પીય નગર ધોળાવીરાને દેશના અતિ મહત્વના સ્મારકો ધરાવતી ‘કેટેગરી-A’ ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર રાજ્યમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
વર્ષ ૧૯૫૯ના મૂળ પ્રાચીન સ્મારક નિયમોની ‘બીજી અનુસૂચિ’માં સુધારો કરવા માટે તૈયાર કરાયેલા નવા ખરડા હેઠળ દેશભરના સંરક્ષિત સ્મારકોને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ નવા દરજ્જા સાથે ધોળાવીરા હવે તાજમહેલ, દિલ્હીના લાલ કિલ્લા અને હમ્પી જેવા દેશના સર્વોચ્ચ ૩૦ સ્મારકોની રાષ્ટ્રીય હરોળમાં સત્તાવાર રીતે સામેલ થઈ ગયું છે, જે આપણા પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્વિય મહાસંપદા માટે એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ સમાન છે.
આ નવા ગેઝેટ નોટિફિકેશન મુજબ ગુજરાતના કુલ ૮ સ્મારકોને રાષ્ટ્રીય યાદીમાં સ્થાન મળ્યું છે, જેમાં ભાગ-૧ હેઠળ દેશના ટોચના સ્મારકો સાથે ‘કેટેગરી-A’માં ધોળાવીરા ઉપરાંત પંચમહાલ જિલ્લાનું પાવાગઢ-ચંપાનેર સ્મારક અને પાટણની ઐતિહાસિક રાણી-કી-વાવ એમ ત્રણ મહત્વના સ્થળોનો સમાવેશ થાય છે. જ્યારે ભાગ-૨ હેઠળ ‘કેટેગરી-B’માં રાજ્યના અન્ય પાંચ સ્મારકો—મહેસાણાનું મોઢેરા સૂર્ય મંદિર, ગાંધીનગરની અડાલજ વાવ તેમજ જૂનાગઢ ખાતે આવેલી બૌદ્ધ ગુફાઓ, અશોકના શિલાલેખ અને ખાપરા કોડિયા ગુફાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ધોળાવીરાને દેશનું ટોચનું રક્ષિત સ્મારક જાહેર કરાતાં હવે તેની આસપાસના સમગ્ર પરિસરમાં સુરક્ષા, સંરક્ષણ અને વહીવટી સ્તરે કાયદાકીય નિયમો અત્યંત કડક બનશે. સ્મારકની નિર્ધારિત સીમા પાસેના ‘પ્રતિબંધિત વિસ્તાર’માં તમામ પ્રકારના નવા બાંધકામ અને ખનન પર સંપૂર્ણ રોક રહેશે, તેમજ ‘નિયંત્રિત વિસ્તાર’માં કોઈપણ પ્રકારનું સમારકામ કે નિર્માણ કાર્ય હાથ ધરવા માટે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની પૂર્વ મંજૂરી તથા સત્તાવાર લાયસન્સ લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ નિયમોના કડક અમલીકરણના ભાગરૂપે સ્મારક પરિસરમાં પ્રવેશ ફીનું માળખું અને પ્રવાસી સુવિધાઓ હવે રાષ્ટ્રીય કક્ષાના ઉચ્ચ ધોરણો મુજબ સંચાલિત થશે અને લેખિત પરવાનગી વિના કોઈપણ પ્રકારની સભાઓ કે જાહેર મેળાવડા યોજી શકાશે નહીં. સરકારના આ ડ્રાફ્ટ નિયમો પ્રસિદ્ધ થયાના ૪૫ દિવસની અંદર સામાન્ય નાગરિકો કે હિતધારકો પોતાના વાંધા અને સૂચનો સંબંધિત અધિકારીઓને મોકલી શકશે, જેના અભ્યાસ બાદ આગામી સમયમાં આ નિયમો આખરી રીતે દેશભરમાં સત્તાવાર રીતે અમલી બનશે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
