<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

કચ્છ આજે પણ કોરૂ રહેશે : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે

રાજકોટ શહેરમાં આજે સાંજે દે ધનાધન.... સૌરાષ્ટ્રના ધણા વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) : રાજ્યમાં ચોમાસું પૂરી તાકાત સાથે જામ્યું છે ત્યારે આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાનના આંકડા અને યુવા વેધરમેન ઉત્તમ માળીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ક્યાંક હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.

​

 

​સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ ગીર-સોમનાથ અને જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ થઈ જવાની સંભાવના છે. દિવસ આગળ વધતાં ગીર-સોમનાથ અને જૂનાગઢના કેટલાક પોકેટમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત પોરબંદર અને જામનગર જિલ્લામાં પણ વરસાદના સારા ઝાપટાં પડવાની પ્રબળ શક્યતા છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં સવારે શાંતિ રહ્યા બાદ બપોર પછીથી સાંજ દરમિયાન વરસાદી પ્રવૃત્તિમાં જોરદાર વધારો જોવા મળી શકે છે.

​

 દક્ષિણ ગુજરાત: દિવસભર મુશળધાર આફતની શક્યતા

​દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સવારથી જ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. અહીં આખો દિવસ વરસાદી માહોલ જામશે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિતના જિલ્લાઓમાં ક્યાંક-ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર છે.

​

 ઉત્તર અને મધ્ય ગુજરાત: બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી

​ઉત્તર ગુજરાત: આ પંથકમાં સવારે આકાશ વાદળછાયું રહેશે પરંતુ બપોર પછીથી લઈને રાત્રિ દરમિયાન વરસાદી માહોલ જામશે. અહીં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે બાકીના વિસ્તારોમાં હળવા ઝાપટાં સાથે વરસાદનો વારો આવશે.

 

​મધ્ય ગુજરાત: ખાસ કરીને ઉત્તર ગુજરાતની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે. મહીસાગર, દાહોદ અને તેની આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે.

​

 કચ્છ: માત્ર છૂટાછવાયા ઝાપટાં

​રાજ્યના અન્ય ભાગોની સરખામણીએ કચ્છ જિલ્લામાં વરસાદનું જોર ઓછું રહેશે. કચ્છ અને તેને લાગુ સરહદી વિસ્તારોને બાદ કરતાં આજે સમગ્ર ગુજરાતમાં ચોમાસું પૂરબહારમાં ખીલશે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ જોવા મળશે.  .

(9:22 AM IST)